અંબાજી મંદિર ટ્રસ્ટે ઉનાળાની કાળઝાળ ગરમીમાં શ્રદ્ધાળુઓની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરી છે. બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના જણાવ્યા મુજબ, મંદિર પરિસરમાં અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
મંદિર ટ્રસ્ટે પ્રવેશદ્વાર, ચાચર ચોક અને મંદિર પરિસરમાં પીવાનું પાણી, ઠંડી છાસ, વોટર અને એર કૂલર, મંડપ અને વોટર સ્પ્રિનકલર ફુવારાની વ્યવસ્થા કરી છે. શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લા કલેકટરે દર્શનાર્થીઓને ગરમીથી બચવા માટે વિશેષ સૂચનો આપ્યા છે. તેમણે છાયામાં રહેવા, પૂરતું પાણી પીવા અને જરૂર પડે તો મંદિર સ્ટાફ કે મેડિકલ સેન્ટરનો સંપર્ક કરવા જણાવ્યું છે.
રાજસ્થાનના ઉદયપુરથી આવેલા શ્રદ્ધાળુ સિદ્ધાર્થ જોશી અને નડિયાદના રામપુર ગામથી આવેલા શોભનાબેન પટેલે મંદિરની સુવિધાઓની પ્રશંસા કરી છે. તેમણે ઠંડુ પાણી, છાસ, જમવાનું અને અન્ય સુવિધાઓ માટે તંત્રનો આભાર માન્યો છે.
રાજ્યના આ પ્રસિદ્ધ શક્તિપીઠમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. ઉનાળાની તીવ્ર ગરમીમાં મંદિર ટ્રસ્ટની આ વ્યવસ્થાઓથી શ્રદ્ધાળુઓને મોટી રાહત મળી રહી છે.





