વલસાડ તાલુકામાં વહેલી સવારે 4 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 6 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. આ ભારે વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
છીપવાડ રેલવે અંડર પાસ, મોગરાવાડી રેલવે અંડર પાસ અને એમ.જી. રોડ સહિતના શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે. વલસાડ શહેરના મહાદેવ નગર વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

મહાદેવ નગર વિસ્તારમાંથી બહાર નીકળવા જતી એક કાર વરસાદી પાણીમાં ફસાઈ ગઈ હતી. આ કારણે કાર ચાલક પણ કારમાં ફસાઈ ગયો હતો. વલસાડ શહેરના એમ.જી. રોડ પર વહેલી સવારથી જ વરસાદી પાણીનો ભરાવો થયો હતો. આ કારણે સ્થાનિક વેપારીઓની ચિંતા વધી ગઈ હતી. વેપારીઓએ પણ પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી સામે પ્રશ્નો ઉઠાવ્યા છે.

વલસાડ નગર પાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવી હતી. પરંતુ આટલા ભારે વરસાદમાં પણ પાણીનો નિકાલ યોગ્ય રીતે ન થતાં સ્થાનિક લોકો અને વાહન ચાલકો આ કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે. લાખો રૂપિયા ખર્ચવા છતાં પણ પાણીના નિકાલની વ્યવસ્થા યોગ્ય રીતે કામ ન કરતી હોવાનું લોકો કહી રહ્યા છે.