Gujarat

પશ્ચિમ કચ્છ SOGએ વિસ્ફોટક પદાર્થ સાથે બે ઝડપ્યા

પશ્ચિમ કચ્છ-ભુજ SOGએ અબડાસાના કોઠારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિસ્ફોટક પદાર્થ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી શનિવારે કરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી 10 વિસ્ફોટક ગોળા, એક છરી અને બે મોટરસાયકલ જપ્ત કરવામાં આવ્યા છે.

SOG સ્ટાફ અબડાસા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન એએસઆઈ માણેકભાઈ ગઢવીને ખાનગી બાતમી મળી હતી. આ બાતમીના આધારે, કોઠારા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ડાહા ગામ પાસેના કાચા રસ્તા પર વોચ ગોઠવવામાં આવી હતી.

પોલીસે કાંતિલાલ શાંતિલાલ પટણી (ઉંમર 45, રહે. મોટી રાયણ, તા. માંડવી) અને શાંતિલાલ રામજી દાતણીયા (ઉંમર 44, મૂળ રહે. મેરાઉ, હાલ રહે. ડોણ પાટિયા, તા. માંડવી) ને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ઘઉંના લોટમાંથી બનાવેલા 10 વિસ્ફોટક ગોળા (કિંમત ₹1,000), એક છરી (કિંમત ₹50) અને બે મોટરસાયકલ (કિંમત ₹30,000) સહિત કુલ ₹31,050 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપીઓ વિરુદ્ધ કોઠારા પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટક પદાર્થ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.