ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થતાં પક્ષીઓની સેવા માટે વિંગ્સ એન્ડ વિસ્કર્સ ફાઉન્ડેશનના યુવા સ્વયંસેવકોએ અનોખી પહેલ કરી છે. સંસ્થાએ સોલા, થલતેજ, સાયન્સ સીટી રોડ અને ભાડજ વિસ્તારમાં વિશેષ કેમ્પની શરૂઆત કરી છે.
આ કેમ્પમાં યુવા સ્વયંસેવકો પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓને તાત્કાલિક સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપે છે અને ગંભીર કેસોમાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવે છે. આ ઉપરાંત, ટીમ ગાયો માટે પણ પ્રાકૃતિક દવાઓ અને ખાસ તૈયાર કરેલા ખોરાક તથા ઔષધિયુક્ત ઘાસનું વિતરણ કરી રહી છે.
દર વર્ષે ઉત્તરાયણમાં હજારો પક્ષીઓ પતંગની દોરીના કારણે ઘાયલ થાય છે અથવા મૃત્યુ પામે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને વિવિધ NGOs, સામાજિક સંસ્થાઓ અને સરકાર દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે. મેઘ પટેલ, કૃતિ પટેલ, ઝીલ પટેલ, માહી શાહ, યાત્રિક પટેલ સહિતના યુવા સ્વયંસેવકો પોતાનો તહેવારનો આનંદ છોડીને આ સેવાકાર્યમાં જોડાયા છે.
આ પહેલ દ્વારા ન માત્ર ઘાયલ પક્ષીઓને નવજીવન મળે છે, પરંતુ સમાજમાં પશુ-પક્ષીઓ પ્રત્યેની સંવેદનશીલતા પણ વધે છે. વિંગ્સ એન્ડ વિસ્કર્સ ફાઉન્ડેશનની આ પહેલ સમાજ માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ બની રહી છે.