જામનગર ખાતે આવતીકાલે તારીખ 13 માર્ચ 2025ના રોજ ફાગણ સુદ પૂનમે વિશ્વનો સૌથી મોટો હોલિકા મહોત્સવ ઉજવાશે. ભોઈજ્ઞાતિ સમસ્ત જામનગર દ્વારા આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના કન્વીનર તરીકે ભાર્ગવ અરવિંદભાઈ મહેતા અને સહ-કન્વીનર તરીકે અક્ષય અરવિંદભાઈ મહેતાની નિમણૂક કરવામાં આવી છે.

69 વર્ષ પહેલાં શરૂ થયેલી આ પરંપરા ભક્ત પ્રહલાદ અને હોલિકાની કથા પર આધારિત છે. ભોઈ સમાજના લોકો એક મહિના અગાઉથી તૈયારીઓ શરૂ કરી દે છે. પૂતળાના નિર્માણમાં ઘાસ, લાકડું, કોથળા, કાગળ, રંગ અને વિવિધ આભૂષણોનો ઉપયોગ કરવામાં આવે છે.

આ વર્ષે 25 ફૂટ ઊંચું અને લગભગ 3-4 ટન વજનનું વિશાળ પૂતળું તૈયાર કરવામાં આવ્યું છે. ભરતભાઈ ગોંડલિયા પૂતળાના નિર્માણમાં માર્ગદર્શન આપે છે, જ્યારે શનિભાઈ કુંભારાણા અને તેમની ટીમ આભૂષણો બનાવવાની જવાબદારી સંભાળે છે. પી.ઓ.પી. આર્ટિસ્ટ તરીકે રમેશભાઈ જેઠવા સેવા આપી રહ્યા છે.

હોલિકા પૂતળાને ભોઈજ્ઞાતિની વાડીથી શુભાષ માર્કેટ નજીક આવેલા હોલિકાચોક સુધી વાજતે-ગાજતે લઈ જવામાં આવશે. સાંજના સમયે હોલિકા દહન કરવામાં આવશે, જેને નિહાળવા હજારો લોકો એકત્રિત થશે. આ રીતે સનાતન ધર્મની પરંપરા અને અસત્ય પર સત્યની જીતનો સંદેશ આપતો આ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાશે.

