સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા આઝાદ ચોક નુરાની મસ્જીદ પાસેના સ્લમ વિસ્તારમાં નશાકારક સીરપ અને દવાઓના ગેરકાયદેસર વેચાણને કારણે સ્થાનિક મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
નશાના આ દૂષણથી તેમના બાળકો અને યુવાનોનું ભવિષ્ય બગડી રહ્યું હોવાથી સ્થાનિક મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી અને નશાનો ધંધો કરનારા તત્વો વિરુદ્ધ વિરોધ પ્રગટ કર્યો હતો.
અસમાજિક તત્વો દ્વારા નશાકારક દવાઓનું વેચાણ સ્થાનિક મહિલાઓએ લિંબાયત પોલીસ મથકમાં લેખિત અરજી આપીને જણાવ્યું છે કે તેમની ગલીમાં કેટલાક અસમાજિક શખ્સો છેલ્લા ઘણા સમયથી નશાકારક દવાઓનું વેચાણ અને અસામાજિક પ્રવૃત્તિઓ કરે છે. જેના કારણે તેમના સંતાનો અને નાના બાળકો પણ નશાના રવાડે ચડી રહ્યા છે.
આ સ્થળે નશાની વસ્તુઓ લેવા આવતા વ્યસનીઓ તેમના ઘર પાસે ઊભા રહે છે અને નશાની હાલતમાં અવારનવાર બોલાચાલી અને ઝઘડા કરે છે. સ્થાનિકોએ આ નશાના ધંધાઓ બંધ કરાવવા માટે આરોપીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓએ વાત માની નહોતી.