Gujarat

મહિલા સશક્તિકરણ કપ-૨૦૨૫: ઓલપાડ તાલુકાની મહિલા શિક્ષક ક્રિકેટરો સતત પાંચમીવાર ચેમ્પિયન બની

મહુવા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ
નારીશક્તિને સન્માનવાનો આ અવસર એટલે પ્રકૃતિની એક અનોખી શક્તિને વંદન કરવાનો અવસર : મોહનભાઈ ઢોડીયા
પ્રવર્તમાન સમયમાં રમત-ગમત જેવાં ક્ષેત્રોમાં પણ મહિલાઓએ પોતાની ક્ષમતા પુરવાર કરી રહી છે. આ હકીકતને વેગ આપવા તથા મહિલા ઉત્થાન અને સન્માનનાં શુભ હેતુસર સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન મહુવા તાલુકાનાં વસરાઈ ગામ સ્થિત દિશા ફાઉન્ડેશન ધોડિયા સમાજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું.
મહિલાદિનની ઉજવણીનાં ભાગરૂપે યોજાયેલ આ ટુર્નામેન્ટમાં સુરત જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતી શિક્ષિકા બહેનોએ ઉત્સાહ અને ગૌરવભેર ભાગ લીધો હતો. ‘સ્ત્રી સશક્તિકરણ કપ – ૨૦૨૫’ નામક આ ટુર્નામેન્ટ આઠ તાલુકાની ટીમો વચ્ચે રમાડવામાં આવી હતી. જેનું ઉદ્દઘાટન મહુવાનાં ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઇ પટેલ તથા મહામંત્રી અરવિંદભાઈ ચૌધરીનાં સંયુક્ત હસ્તે કરવામાં આવ્યું હતું.
મહુવા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બિપીનભાઈ પટેલે ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મહુવા તાલુકા પંચાયતનાં પ્રમુખ શીલાબેન પટેલ, દિશા ફાઉન્ડેશનનાં પ્રમુખ કમલેશભાઈ પટેલ, મહામંત્રી મુકેશભાઈ મહેતા, મહુવા ટીચર્સ સહકારી મંડળીનાં ચેરમેન મહેશભાઈ સોલંકી ઉપરાંત જિલ્લા સંઘનાં હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. પ્રારંભે મહુવાનાં ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ ખેલાડીઓ તથા દર્શકો સંબોધતાં જણાવ્યું હતું કે વર્ષોથી સામાજિક, ધાર્મિક તેમજ અન્ય દબાણો વચ્ચે ઘેરાયેલી સ્ત્રી આજે નવી કેડી કંડારીને સ્વતંત્રતા, સમાનતા અને વિકાસનાં આકાશમાં ઉડાન ભરી રહી છે. તેમણે આજનાં આ ‘વિશિષ્ટ’ આયોજન બદલ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ તથા મહુવા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં હોદ્દેદારોને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતાં.
સદર ટૂર્નામેન્ટમાં તમામ લીગ મેચોનાં અંતે પ્રથમ સેમિફાઇનલ ઓલપાડ અને ચોર્યાસી વચ્ચે રમાઇ હતી, જેમાં ઓલપાડની ટીમ વિજેતા બની હતી. જયારે બીજી સેમિફાઇનલ મહુવા અને બારડોલી વચ્ચે રમાઇ હતી, જેમાં મહુવાની ટીમ વિજેતા બની હતી. અંતમાં ફાઇનલ મેચ ઓલપાડ અને મહુવા વચ્ચે રમાઇ હતી. ઓલપાડની ટીમે પ્રથમ બેટિંગ કરતાં નિર્ધારિત ૮ ઓવરમાં ૩ વિકેટે ૬૮ રન કર્યા હતાં. જે ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી મહુવાની ટીમ ૮ ઓવરમાં ૩  વિકેટે ૩૩ રન બનાવી શકી હતી. આમ ઓલપાડની ટીમનો ૩૫ રને ભવ્ય વિજય થયો હતો. સમાપન સમારોહમાં ઉપસ્થિત સુરત જિલ્લા પંચાયત સદસ્ય અને મહુવા સુગર ફેક્ટરીનાં ડિરેક્ટર તુષારભાઈ પટેલે પોતાનાં ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે પ્રવર્તમાન સમયમાં મહિલાઓનું દરેક ક્ષેત્રે સશક્તિકરણ કરવાનાં પ્રયત્નો થઇ રહ્યા છે.
તેમને સમાનતા, સ્વાયત્તતા અને સન્માન જેવાં અધિકારોથી સંપન્ન બનાવવાની શરૂઆત કુટુંબ, શાળા અને સમાજથી કરવી જોઈએ. અંતમાં ફાઇનલ મેચમાં બેસ્ટ બોલર તરીકે અંકિતા પટેલ (ઓલપાડમુખ્ય પ્રા.શાળા), બેસ્ટ બેટ્સવુમન, બેટ્સવુમન ઓફ ધ મેચ તથા વુમન ઓફ ધ સીરીઝ તરીકેનો ખિતાબ મેળવનાર તન્વી પટેલ (મોરટુંડા પ્રા.શાળા) સહિત ચેમ્પિયન ટીમ તથા રનર્સઅપ ટીમને ઉપસ્થિત મહેમાનોનાં હસ્તે ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી.
ટુર્નામેન્ટનાં બંને ગ્રાઉન્ડનાં કેરટેકર તરીકે જીતુભાઈ પટેલ (વેલણપુર પ્રા.શાળા) તથા તેમની ટીમે જહેમત ઉઠાવી હતી. ટુર્નામેન્ટમાં કોમેન્ટરર તરીકે જગદીશભાઈ પરમારે સેવા આપી હતી. અંતમાં સૌ મહિલા ખેલાડીઓનો આભાર વ્યક્ત કરતાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે આવનારા દિવસોમાં પણ આજ રીતે આત્મવિશ્વાસ સાથે દરેક ક્ષેત્રે પડકારો ઝીલવા આહવાન કર્યું હતું. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.