Gujarat

વાંકલ નવોદય વિદ્યાલયમાં યુથ ગ્રામસભા કાર્યક્રમ યોજાયો

માંગરોળ તાલુકાના વાંકલ સ્થિત જવાહર નવોદય વિદ્યાલય ખાતે મોડલ યુથ ગ્રામસભા ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વાંકલ ગામના સદસ્ય ઠાકોર ચૌધરીને શાળાના પ્રિન્સિપાલ ઈ. કબાલીસ્વરન દ્વારા વિશેષ રૂપે આમંત્રિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન આમંત્રિત મહાનુભાવોએ ગ્રામસભા, પંચાયતી રાજ વ્યવસ્થા અને ગ્રામ વિકાસમાં યુવાનોની ભૂમિકા વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.

તેમણે લોકશાહી પ્રણાલીના મહત્વ પર ભાર મૂકી સક્રિય ભાગીદારી માટે પ્રેરણા આપી. શાળા દ્વારા જણાવાયું કે આ કાર્યક્રમનો વ્યવહારિક ઉજવણી દિવસ 24 નવેમ્બર, 2025ના રોજ યોજાશે. આ દિવસે વિદ્યાર્થીઓ ગ્રામસભાની પ્રક્રિયાનો પ્રત્યક્ષ અનુભવ કરી શકશે. શાળાનો હેતુ આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં સામાજિક જવાબદારી, નેતૃત્વ ક્ષમતા અને લોકશાહી મૂલ્યો પ્રત્યે જાગૃતિ વધારવાનો છે.