પેરિસ સેન્ટ-જર્મનના પ્રથમ ચેમ્પિયન્સ લીગ ટાઇટલ પછી ફ્રાન્સના પેરિસમાં થયેલી અથડામણમાં જીવલેણ પરિવર્તન આવ્યું. તાજેતરના અહેવાલો અનુસાર, રમખાણોમાં ૧૭ વર્ષના એક બાળક સહિત ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા છે.
વધુમાં, મીડિયા સૂત્રોના એહવાલ મુજબ, અથડામણો ફાટી નીકળ્યા બાદ પોલીસે ફ્રાન્સની રાજધાનીમાં લગભગ ૫૦૦ લોકોની ધરપકડ કરી હતી. જાેકે, પેરિસમાં થયેલી ધરપકડનો સમાવેશ કર્યા પછી, ફ્રેન્ચ પોલીસે કુલ ૫૫૯ લોકોની ધરપકડ કરી છે.
આ ઘટના બાબતે દેશના ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, ફ્રાન્સમાં ૫૫૯ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે રાજધાની પેરિસમાં ૪૯૧ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ સમગ્ર ઘટના બાબતે મીડિયા સૂત્રો થકી મળતી માહિતી મુજબ, ચેમ્પિયન્સ લીગમાં પીએસજીની પહેલી જીત બાદ, ઉજવણીએ હિંસક વળાંક લીધો. પેરિસમાં સ્કૂટર ચલાવતા એક વ્યક્તિનું ચેમ્પ્સ-એલિસીસથી થોડા કિલોમીટર દૂર કાર દ્વારા ટક્કર મારવામાં આવતા મૃત્યુ થયું હતું.
દરમિયાન, દક્ષિણપશ્ચિમ શહેર ડેક્સમાં, પીએસજીની જીતની ઉજવણી કરી રહેલા એક મેળાવડા દરમિયાન ૧૭ વર્ષના છોકરા પર છરીના ઘા મારીને જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ફરિયાદીઓએ વધુમાં ઉમેર્યું હતું કે ૧૭ વર્ષના છોકરાના મૃત્યુ પાછળનો ગુનેગાર “ફરાર” છે.
ચેમ્પિયન્સ લીગમાં પોતાની પહેલી જીત બાદ, પેરિસ સેન્ટ-જર્મનની ટીમ રવિવારે ચેમ્પ્સ-એલિસીસ પર વિજય પરેડ યોજવા માટે તૈયાર હતી.
જાેકે, પેરિસ અને દેશના અન્ય ભાગોમાં અથડામણો થતાં રાત્રિના ઉજવણી હિંસક બની ગઈ.
પોલીસના જણાવ્યા મુજબ, “ચેમ્પ્સ-એલિસીસ પર મુશ્કેલી ઊભી કરનારાઓ ઘટનાઓ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને મોટા ફટાકડા અને અન્ય વસ્તુઓ ફેંકીને વારંવાર પોલીસના સંપર્કમાં આવ્યા હતા.
ઉજવણી દરમિયાન ઘણા લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક સમાચાર મુજબ, પીએસજીની જીતની ઉજવણી કરી રહેલા ચાહકો પર એક કાર અથડાઈ હતી, જેમાં ચાર લોકો ઘાયલ થયા હતા, જેમાંથી બે લોકોની હાલત ગંભીર હતી. ડ્રાઇવરે પોતાને અધિકારીઓ સમક્ષ સોંપી દીધા બાદ પોલીસે ગુનાહિત કાર્યવાહીને નકારી કાઢી છે.-

