International

અમેરિકા દ્વારા H-1B વિઝા સહિત ઘણા નિયમોમાં ફેરફાર કરવાનું શરૂ કરી દીધું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બીજીવાર સત્તામાં આવતાની સાથેજ મોટા ફેરફારો કર્યા હતા જેમાં હવે H-1B વિઝા સહિત ઘણા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ટ્રમ્પ દ્વારા લાગુ કરાયેલા નવા નિયમ હેઠળ, H-1B વિઝા માટે માત્ર ટેકનિકલ ડિગ્રી પૂરતી રહેશે નહીં, પરંતુ વિશેષતા ફરજિયાત બનાવવામાં આવી છે, એટલે કે, ઉમેદવાર તેની અરજીમાં તેની બધી લાયકાતોનો ઉલ્લેખ કરી શકે છે, પરંતુ તેમાંથી એક લાયકાત સીધી રીતે તેના કાર્ય સાથે સંબંધિત હોવી જાેઈએ.

૧ વર્ષમાં, અમેરિકા દ્વારા ટેકનિકલ કામદારો માટે લગભગ ૬૫ હજાર H-1B વિઝા જાહેર કરવામાં આવે છે, જે હેઠળ ભારત સહિત અન્ય દેશોના લોકો અમેરિકામાં કામ કરવા જાય છે. અત્યાર સુધી H-1B વિઝા માટે ગ્રેજ્યુએશન ડિગ્રી માન્ય હતી, પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ઉદાહરણ તરીકે, પહેલા જાે તમારી પાસે કોમ્પ્યુટર સાયન્સની ડિગ્રી હોય, તો તમને તેનાથી સંબંધિત કોઈપણ નોકરી માટે H-1B વિઝા માટે લાયક ગણવામાં આવતા હતા, પરંતુ હવે અરજદારોને તેમની ટેકનિકલ કુશળતા વિશે પણ પૂછવામાં આવશે.

જાે કે, હમણાં થોડા સમય પહેલા અમેરિકા દ્વારા H-1B વિઝા અંગે જાહેર કરાયેલા ડેટામાં જાણવા મળ્યું છે કે જાહેર કરાયેલા કુલ H-1B વિઝામાંથી ૨૦ ટકા ભારતીય મૂળની ટેકનિકલ કંપનીઓ દ્વારા મેળવવામાં આવ્યા હતા.

યુએસ નાગરિકતા અને ઈમિગ્રેશન વિભાગના ડેટા મુજબ એપ્રિલ-સપ્ટેમ્બર ૨૦૨૪ ના સમયગાળા દરમિયાન, યુએસએ કુલ ૧.૩ લાખ H-1B વિઝા જાહેર કર્યા હતા, જેમાંથી ૨૪,૭૬૬ વિઝા ભારતીય મૂળની કંપનીઓને આપવામાં આવ્યા હતા.