ચીનના વૈજ્ઞાનિકોનો દાવો છે કે તેમણે દુનિયાની સૌથી શક્તિશાળી મશીનગન ‘મેટલ સ્ટોર્મ’ બનાવવામાં સફળતા મેળવી છે. અત્યાર સુધીના આ સૌથી શક્તિશાળી હથિયારમાં પાંચ કે તેથી વધુ બેરલ છે, દરેક બેરલ 4.5 લાખ રાઉન્ડ પ્રતિ મિનિટના દરે ગોળીઓ ફાયર કરી શકે છે.
હાલ સૌથી શક્તિશાળી ગન વેપન સિસ્ટમ અમેરિકન સેના પાસે છે. ફાલાનક્સની આ અમેરિકન મશીનગન દર મિનિટે 4500 રાઉન્ડ ફાયર કરી શકે છે. એટલે ચીનની આ મશીનગન સો ગણી વધુ શક્તિશાળી છે.
મિનિટોમાં લાખો ગોળીઓ છોડનારી આ ગનમાં ગોળીઓ ભરવી મોટો પડકાર હતો. પરંતુ તાઈયુઆનના શોધકર્તાઓએ તેના માટે પણ સમાધાન શોધી લીધું. તેમણે બોક્સ ટાઈપ રોટરી ફાયરિંગ ટેક્નિક તૈયારી કરી છે.
તેમાં કન્ટેનર બદલાય એવી મેગઝિન હોય છે. તેમાં બેરલ ભરવાના હોય છે, દરેક બેરલમાં ગોળીઓના પેક હોય છે. ગોળીઓ છોડ્યા બાદ ડિસ્પોજેબલ બેરલને કન્ટેનરની સાથે ફેંકવામાં આવે છે.
આ પ્રોજેક્ટનું નેતૃત્વ નોર્ધન ચાઈના યુનિવર્સિટીના મિકેનિકલ અને ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના એસોસિએટ પ્રોફેસર લૂ શુતાઓ કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે આ ઈનોવેટિવ ટેક્નિક લોડિંગની ગતિમાં સુધારો કરી શકે છે. વારંવાર લોડિંગ કરવા છતાં બેરલની તાકાત અને સચોટતા કાયમ રાખી શકે છે.

