ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધવિરામ કરાર સામે ઇઝરાયલના નાગરિકોએ દેખાવો શરૂ કર્યા છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયલના અહેવાલ મુજબ પ્રદર્શનકારીઓએ સરકાર પર આતંકવાદીઓને આત્મસમર્પણ કરવાનો આરોપ લગાવ્યો છે.
સોદાના વિરોધમાં મંગળવારે સાંજે સેંકડો વિરોધીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિરોધીઓ આ ડીલને ભવિષ્ય માટે ખતરો ગણાવી રહ્યા છે.
બીજી તરફ યુદ્ધવિરામના સમર્થનમાં દેખાવો પણ કરવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા દિવસોથી હજારો પ્રદર્શનકારીઓ યુદ્ધવિરામની માગ કરી રહ્યા છે. મંગળવારે યુદ્ધવિરામ સંબંધિત સમાચાર મળ્યા બાદ આ પ્રદર્શનકારીઓએ ઉજવણી પણ કરી હતી.
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ટૂંક સમયમાં યુદ્ધવિરામની જાહેરાત થઈ શકે છે. અહેવાલો અનુસાર યુદ્ધવિરામનો પ્રથમ તબક્કો 42 દિવસનો રહેશે. ઇઝરાયલના અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે ડીલના પ્રથમ તબક્કામાં 33 બંધકોને મુક્ત કરવામાં આવશે. જેમાંથી 5 ઈઝરાયલની મહિલા સૈનિકો હશે. તેના બદલામાં ઈઝરાયલ 250 પેલેસ્ટાઈન કેદીઓને મુક્ત કરશે.
બાકીના બંધકોને 15 દિવસ પછી મુક્ત કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન યુદ્ધવિરામને કાયમી ધોરણે લાગુ કરવા પર પણ વાતચીત કરવામાં આવશે.