International

અમેરિકાના કેન્ટુકીમાં ભયંકર તોફાન બાદ પૂર જેવી સ્થિતિ; આશરે ૯ લોકોના મોત

અમેરિકાના કેન્ટુકીમાં એક ભયાનક તોફાન બાદ પૂર જેવી પરિસ્થિતિઓ સર્જાઈ છે, દરેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. મીડિયા રિપોર્ટ મુજબ, જ્યોર્જિયામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. રેસ્ક્યુ ટીમ શોધ અને બચાવ કાર્યમાં લાગેલી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૦૦થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ વાવાઝોડાને એક દાયકાની સૌથી ગંભીર હવામાન ઘટનાઓમાંની એક માનવામાં આવે છે.

જાે કે, આ વાવાઝોડાની અસર ઘણા રાજ્યોમાં થઈ છે, જેના ઘણા વીડિયો સામે આવ્યા છે. જેમાં અનેક વાહનો પાણીમાં ગરકાવ થઇ ગયા છે, ઠેર-ઠેર પણ વૃક્ષો પડી ગયા છે અને ઘરો ચારેબાજુ પાણીથી ઘેરાયેલા છે.

ટેનેસી, કેન્ટુકી અને વર્જિનિયામાં મોટાભાગે રસ્તાઓ અને ઘરો પૂરના પાણીથી ભરાઈ ગયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર શનિવારે વાવાઝોડું તીવ્ર થતાં કેન્ટુકીમાં પાણીનું સ્તર ઐતિહાસિક ઊંચાઈએ પહોંચી ગયું છે. અત્યાર સુધીમાં હજારો લોકોને પાણીમાંથી બચાવી લેવામાં આવ્યા છે, જેમાં કુલ ૯ મૃત્યુની પુષ્ટિ થઈ છે.

આ બાબતે કેન્ટુકીના ગવર્નરે કહ્યું હતું કે, મૃત્યુ પામેલા ૯ લોકોમાં એક બાળક પણ સામેલ છે. “અમે માનીએ છીએ કે આ સંખ્યામાં વધારો થશે,” તેમણે કહ્યું. તેમણે કેન્ટુકીના લોકોને અપીલ કરી કે તેઓ રસ્તા પર ન નીકળે, કારણ કે ઘણા મૃત્યુ પાછળ માર્ગ અકસ્માતો છે. કેન્ટુકીમાં શુક્રવારે વાવાઝોડા પહેલા કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે.

અસરગ્રસ્ત વિસ્તારોમાં ફેડરલ સહાય ભંડોળ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે સોમવાર સુધીમાં તોફાન શમી જશે, પરંતુ ખતરો હજુ પણ યથાવત છે. ગ્રેટ લેક્સના ભાગો બરફ દ્વારા દફનાવવામાં આવી શકે છે. આ તોફાનથી અમેરિકામાં ૫૦ લાખ લોકો પ્રભાવિત થયા છે.