ટ્રમ્પે ઈરાન પર આર્થિક દબાણ લાવવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા
બીજીવાર અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા નવા કાયદાઓ લાગુ કરવામાં આવ્યા છે, ત્યારે હવે રાષ્ટ્રપતિએ ઈરાન પર આર્થિક દબાણ લાવવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. ટ્રમ્પે કહ્યું કે જાે ઈરાન મને મારવાનો પ્રયાસ કરશે તો તે બચશે નહીં. મેં અધિકારીઓને સૂચના આપી છે કે જાે ઇરાન હુમલો કરે છે તો તેનો સંપૂર્ણપણે નાશ કરી દેવો.
મંગળવારે વ્હાઇટ હાઉસ ખાતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે મુલાકાત કરી. આ દરમિયાન ટ્રમ્પે ગાઝા અંગેના પોતાના બ્લુપ્રિન્ટ વિશે પણ વાત કરી. આ સાથે તેમણે ઈરાનને સ્પષ્ટ ચેતવણી પણ આપી છે.
ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ધમકી આપતા કહ્યું કે જાે તેહરાન તેમને મારવાનો પ્રયાસ કરશે તો તેણે પરિણામો ભોગવવા તૈયાર રહેવું જાેઈએ. અમેરિકાના રાષ્ટ્રપતિએ ઈરાન પર આર્થિક દબાણ લાવવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. ટ્રમ્પે કહ્યું કે જાે ઈરાન મને મારવાનો પ્રયાસ કરશે તો તેમનો પણ આ પૃથ્વી પરથી વિનાશ થશે. તમને જણાવી દઈએ કે જાે ટ્રમ્પની હત્યા થાય છે, તો આવી સ્થિતિમાં ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ રાષ્ટ્રપતિ બનશે. એ વાત જાણીતી છે કે અમેરિકન સરકાર રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ માટે ઈરાન તરફથી સંભવિત ખતરા પર નજર રાખી રહી છે.
ગાઝા અંગે અમેરિકન રાષ્ટ્રપતિના ૫-પોઇન્ટ બ્લુપ્રિન્ટમાં ઈરાનનો પણ સમાવેશ થાય છે. ટ્રમ્પે ઈરાનની કમર તોડવા માટે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર પણ હસ્તાક્ષર કર્યા છે જેમાં અમેરિકન સરકારને ઈરાન પર મહત્તમ દબાણ લાવવાનું કહેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળ્યા બાદ ઇઝરાયલી પીએમ નેતન્યાહૂએ કહ્યું હતું કે ઇઝરાયલ પહેલા ક્યારેય આટલું શક્તિશાળી નહોતું જ્યારે ઈરાન ક્યારેય આટલું નબળું નહોતું. મેં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે આપણા પ્રદેશમાં શાંતિ લાવવા અને આપણા ભવિષ્યને બચાવવા વિશે ચર્ચા કરી. ગાઝામાં ઇઝરાયલના ત્રણ ઉદ્દેશ્યો છેઃ પહેલું, હમાસનો સંપૂર્ણ નાશ કરવો. બીજું, આપણે આપણા બધા બંધકોને મુક્ત કરાવવાની ખાતરી કરવી પડશે અને ત્રીજું, ગાઝા ફરી ક્યારેય ઇઝરાયલ માટે ખતરો ન બનવો જાેઈએ.