પાકિસ્તાનના ભૂતપૂર્વ ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) ચીફ લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) ફૈઝ હમીદ ગંભીર કાનૂની મુશ્કેલીમાં ફસાઈ ગયા છે કારણ કે તેમને ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટના ઉલ્લંઘન બદલ ૧૪ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. માત્ર બે વર્ષ પહેલાં સુધી, હમીદને પાકિસ્તાનના સૌથી શક્તિશાળી વ્યક્તિઓમાંના એક અને ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનના નજીકના લશ્કરી સહાયક માનવામાં આવતા હતા.
પાકિસ્તાન આર્મીની મીડિયા વિંગ ISPR અનુસાર, ફૈઝ હમીદ પર ફિલ્ડ જનરલ કોર્ટ માર્શલ દ્વારા પાકિસ્તાન આર્મી એક્ટ હેઠળ કેસ ચલાવવામાં આવ્યો હતો. કાર્યવાહી લગભગ ૧૫ મહિના સુધી ચાલુ રહી. ISPR એ જણાવ્યું હતું કે તેમની સામે ચાર મુખ્ય આરોપો ચલાવવામાં આવ્યા હતા. જેમાં રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ લેવા, ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટનું ઉલ્લંઘન કરવા, સત્તા અને સરકારી સંસાધનોનો દુરુપયોગ કરવા અને કેસ સાથે જાેડાયેલા વ્યક્તિઓને ગેરકાયદેસર નુકસાન પહોંચાડવાનો સમાવેશ થાય છે.
કડક કાનૂની પ્રક્રિયા પછી સજા સંભળાવવામાં આવી છે
લાંબી અને કડક કાનૂની પ્રક્રિયા પછી, કોર્ટે ફૈઝ હમીદને બધા આરોપોમાં દોષિત ઠેરવ્યા. તેમને ૧૪ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે, જેનો અમલ ગુરુવાર (૧૧ ડિસેમ્બર) થી કરવામાં આવ્યો છે. પાકિસ્તાન આર્મીનું કહેવું છે કે ટ્રાયલ દરમિયાન તમામ કાનૂની જાેગવાઈઓનું પાલન કરવામાં આવ્યું હતું. લશ્કરે એ પણ પુષ્ટિ આપી છે કે ફૈઝ હમીદ પાસે સક્ષમ ફોરમ સમક્ષ અપીલ કરવાનો અધિકાર છે.
ઇમરાન ખાનને અદિયાલા જેલમાંથી ખસેડવામાં આવે તેવી શક્યતા
અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને રાવલપિંડીની અદિયાલા જેલમાંથી બહાર ખસેડવામાં આવે તેવી શક્યતા છે. પંજાબ સરકારના એક વરિષ્ઠ અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે પ્રાંતીય વહીવટીતંત્ર ફેડરલ અધિકારીઓ સાથે પરામર્શ કરીને ટૂંક સમયમાં ર્નિણય લે તેવી અપેક્ષા છે.
“પંજાબ સરકાર અદિયાલા જેલની બહાર સતત વિરોધ પ્રદર્શનોને કારણે પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ) નેતા ઇમરાન ખાનને અન્ય કોઈ જેલમાં ખસેડવાનું ગંભીરતાથી વિચારી રહી છે,” અધિકારીએ જણાવ્યું હતું, અને ઉમેર્યું હતું કે જિલ્લા જેલ અટોકને સંભવિત વિકલ્પોમાંથી એક માનવામાં આવી રહી છે. વડા પ્રધાનના માહિતી સંયોજક ઇખ્તિયાર વલીએ જણાવ્યું હતું કે સતત વિરોધ પ્રદર્શનોએ જેલ સંકુલની નજીક રહેતા રહેવાસીઓના રોજિંદા જીવનમાં વિક્ષેપ પાડ્યો છે. “અદિયાલાની બહાર વિરોધ પ્રદર્શનની આડમાં અરાજકતા ફેલાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઘણા પીટીઆઈ નેતાઓ ઇચ્છે છે કે તેમના જેલમાં બંધ નેતાને અન્યત્ર સ્થાનાંતરિત કરવામાં આવે,” તેમણે દાવો કર્યો.

