સાન ફ્રાન્સિસ્કોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે સલાહકાર જારી કરીને કહ્યું કે તેઓ રશિયાના કામચાટકા દ્વીપકલ્પમાં તાજેતરમાં આવેલા ૮.૮ ની તીવ્રતાના ભૂકંપ બાદ સંભવિત સુનામીના ખતરા પર નજર રાખી રહ્યા છે.
કેલિફોર્નિયા, અન્ય યુએસ વેસ્ટ કોસ્ટ રાજ્યો અને હવાઈમાં રહેતા ભારતીય નાગરિકોને નીચેના પગલાં લેવાની સલાહ આપવામાં આવે છે:-
સ્થાનિક ચેતવણીઓનું પાલન કરો: સ્થાનિક કટોકટી વ્યવસ્થાપન અને યુએસ સુનામી ચેતવણી કેન્દ્રો સહિત યુએસ અધિકારીઓની ચેતવણીઓનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરો.
જાે સુનામી ચેતવણી જારી કરવામાં આવે તો ઊંચા સ્થાને જાઓ.
દરિયાકાંઠાના વિસ્તારો ટાળો.
કટોકટી માટે તૈયાર રહો અને ઉપકરણો ચાર્જ રાખો.
હેલ્પલાઇન નંબર તપાસો:
સાન ફ્રાન્સિસ્કોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે એક હેલ્પલાઇન નંબર પણ જારી કર્યો છે: +૧-૪૧૫-૪૮૩-૬૬૨૯
બુધવારે વહેલી સવારે રશિયાના દૂર પૂર્વમાં ૮.૮ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે ઉત્તર પેસિફિક ક્ષેત્રમાં સુનામી આવી હતી અને અલાસ્કા, હવાઈ અને દક્ષિણ તરફ ન્યુઝીલેન્ડ માટે ચેતવણીઓ આપવામાં આવી હતી.
સુનામી ચેતવણી જારી
હોનોલુલુમાં સુનામી ચેતવણીના સાયરન વાગ્યા અને લોકો ઉંચી જમીન પર ખસી ગયા. જાપાન હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે હોક્કાઇડોના પૂર્વી કિનારે નેમુરો સુધી લગભગ ૩૦ સેન્ટિમીટરની પ્રથમ સુનામી લહેર પહોંચી હતી.
કામચાટકા દ્વીપકલ્પ પર ભૂકંપના કેન્દ્રની નજીકના રશિયન પ્રદેશોમાં નુકસાન અને સ્થળાંતર નોંધાયા હતા.
સ્થાનિક ગવર્નર વેલેરી લિમારેન્કોના જણાવ્યા અનુસાર, પ્રથમ સુનામી લહેર પેસિફિકમાં રશિયાના કુરિલ ટાપુઓ પરના મુખ્ય વસાહત, સેવેરો-કુરિલ્સ્કના દરિયાકાંઠાના વિસ્તારમાં ત્રાટક્યું હતું. તેમણે કહ્યું કે રહેવાસીઓ સુરક્ષિત છે અને પુનરાવર્તિત મોજાનો ભય દૂર ન થાય ત્યાં સુધી ઊંચી જમીન પર રહ્યા છે.
પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્રએ જણાવ્યું હતું કે હવાઈ, ચિલી, જાપાન અને સોલોમન ટાપુઓના કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં ભરતીના સ્તરથી ૧ થી ૩ મીટર ઊંચા મોજા શક્ય છે. રશિયા અને ઇક્વાડોરના કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં ૩ મીટરથી વધુ ઊંચા મોજા શક્ય છે.
પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્રએ જણાવ્યું હતું કે ભૂકંપથી સુનામી ઉત્પન્ન થઈ છે જે તમામ હવાઇયન ટાપુઓના દરિયાકાંઠા પર નુકસાન પહોંચાડી શકે છે. ચેતવણીમાં કહેવામાં આવ્યું હતું કે, “જીવન અને સંપત્તિનું રક્ષણ કરવા માટે તાત્કાલિક પગલાં લેવા જાેઈએ.” સ્થાનિક સમય અનુસાર મંગળવારે સાંજે ૭ વાગ્યાની આસપાસ પ્રથમ મોજા આવવાની અપેક્ષા હતી.