International

અમેરિકી પ્રમુખ ટ્રમ્પે શાવરમાં પાણીના દબાણ પરના અતિશય નિયમનને સમાપ્ત કરવા એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આદેશ અમેરિકામાં ‘શાવર હેડ‘માંથી આવતાં પાણીના દબાણને લગતો છે. બુધવારે તેમણે આ બાબતે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને બરાક ઓબામા અને જાે બાઈડનના કાર્યકાળમાં લાગુ કરાયેલા નિયમો બદલી નાંખ્યા હતા.

છેલ્લા થોડા દિવસોથી ડોનાલ્ડ ટ્રમ્પની ફરિયાદ હતી કે અમેરિકામાં શાવર અને ટોઈલેટમાં પાણીનું દબાણ ઓછું છે, જેના કારણે સ્નાન કરવા અને વાળ ધોવા જેવા કાર્યો મુશ્કેલ બને છે. ઓર્ડર પર સહી કરતી વખતે તેમણે મજાકમાં કહ્યું કે, ‘મારા સુંદર વાળની સારી સંભાળ રાખવા માટે મને સારા સ્નાનની જરૂર છે. પણ મારા વાળ બરાબર ભીના થાય તે માટે મારે ૧૫ મિનિટ શાવર નીચે ઊભા રહેવું પડે છે, કેમ કે શાવરમાંથી પાણી સાવ ધીમેધીમે ટપકે છે. આ કેટલું હાસ્યાસ્પદ કહેવાય!’

ઉલ્લેખનીય છે કે, પોતાના વાળ પ્રત્યે ટ્રમ્પની સભાનતા નવી નથી. ૨૦૨૦ માં તેમણે કહ્યું હતું કે, ‘તમારું તો મને ખબર નથી, પણ મારા વાળ પરફેક્ટ હોવા જાેઈએ.’ ગત વર્ષના ચૂંટણી પ્રચાર દરમિયાન પણ તેઓ એવું બોલ્યા હતા કે, ‘શાવર ધીમા હોવાથી હું મારા વાળ ઝડપથી ધોઈ શકતો નથી.’

આ મામલે વ્હાઈટ હાઉસ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ ર્નિણય લઈને ટ્રમ્પ ઓબામા-બાઈડન યુગ દરમિયાન બનાવેલા કડક નિયમોને દૂર કરીને સામાન્ય અમેરિકન્સને રાહત આપી રહ્યા છે. આ આદેશ શૌચાલય અને સિંક જેવી ઘણી વસ્તુઓ પર પણ લાગુ કરાશે.

વર્ષ ૨૦૨૦ માં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જાે બાઈડેનના નેતૃત્વ હેઠળના ઉર્જા વિભાગે એક નિયમ લાગુ કર્યો હતો જેમાં એક મિનિટમાં ૨.૫ ગેલન (૯.૫ લિટર) પાણી છોડતા આખા શાવર હેડને બદલે ફક્ત નાનું શાવર નોઝલ જ વાપરવાની મંજૂરી આપવામાં આવી હતી. એના અગાઉ ઓબામા વહીવટીતંત્રે બહુવિધ નોઝલ ધરાવતા શાવર ફિક્સર પર રોક લગાવતાં એવો નિયમ લાગુ કર્યો હતો કે જાે શાવરમાં ચાર નોઝલ આપેલા હોય તો ચારેયમાંથી કુલ ૨.૫ ગેલનથી વધુ બહાર ન આવવું જાેઈએ.

પાણીનો બગાડ ન થાય, ઊર્જા ઓછી વપરાય અને એનું બિલ પણ ઓછું આવે, એવી ગણતરીઓ સાથે આ નિયમો લાગુ કરાયા હતા. એક અંદાજ મુજબ આ નિયમથી પ્રત્યેક ઘરમાં દર વર્ષે લગભગ ૩૮ ડોલરની બચત થઈ હતી.