હવામાન વિભાગ દ્વારા આવનારા અઠવાડિયા માટે આગાહી કરી છે કે, એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ ગયું છે જેના કારણે પશ્ચિમી હિમાલયન ક્ષેત્રને અસર કરી શકે છે અને આ અસરને કારણે દેશના ઘણા રાજ્યોમાં હવામાન બદલાશે.
દેશની રાજધાનીમાં છેલ્લા એક સપ્તાહથી ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે સવાર-સાંજ ઠંડી રહે છે, જાે કે આ વખતે સામાન્ય કરતાં વધુ ગરમીનું એલર્ટ છે, પરંતુ સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હળવા વાદળો અને વરસાદની શક્યતા છે. આજે ૯ માર્ચથી ૧૪ માર્ચ સુધી દિલ્હી-એનસીઆરમાં હળવા વાદળો અને વરસાદ પડશે. હોળી બાદ તાપમાનમાં વધારો થવાની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ૯ થી ૧૪ માર્ચ દરમિયાન છૂટાછવાયાથી ભારે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. પંજાબમાં ૧૨ થી ૧૪ માર્ચ દરમિયાન હળવા/મધ્યમ વરસાદની શક્યતા છે. હરિયાણામાં ૧૩ અને ૧૪ માર્ચે અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ૧૪ માર્ચે વરસાદની શક્યતા છે.
૧૦ માર્ચે, જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં વાવાઝોડાં અને વીજળીનો અનુભવ થશે અને ભારે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. મધ્ય આસામ પર સાયક્લોનિક સરક્યુલેશન બની રહ્યું છે. તેની અસરને કારણે, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ અને સિક્કિમ, પેટા-હિમાલયન પશ્ચિમ બંગાળમાં ગાજવીજ અને વીજળી સાથે વરસાદ/કરા પડવાની સંભાવના છે.