National

મણીપુરના ઇમ્ફાલ ઘાટીના ૫ જિલ્લાઓમાંથી સુરક્ષાદળો દ્વારા આશરે ૩૦૦ જેટલી રાઇફલ્સ જપ્ત

મણિપુરમાં સુરક્ષાદળોની અલગ-અલગ ટીમો દ્વારા તપાસ અભિયાન ચલાવાઇ રહ્યું છે, જેના ભાગરૂપે સુરક્ષાદળોએ રાજ્યના વિવિધ ભાગોમાંથી પાંચ ઉગ્રવાદીઓની ધરપકડ કરી છે સાથે જ મોટા પ્રમાણમાં હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે. ઇમ્ફાલ ઘાટીના પાંચ જિલ્લાઓમાંથી જ આશરે ૩૦૦ જેટલી રાઇફલ્સ જપ્ત કરાઇ છે. આટલી મોટી સંખ્યામાં હથિયારો જપ્ત થતા એજન્સીઓને શંકા છે કે ઉગ્રવાદીઓ મણિપુરમાં યુદ્ધ જેવી તૈયારીમાં હતા.

મણિપુરના સુરક્ષા દળો સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે ૨૪ કલાકમાં પાંચ જિલ્લાઓમાંથી ૩૨૮ થી વધુ રાઇફલ્સ જપ્ત કરાઇ છે, ગુપ્ત માહિતીના આધારે અનેક વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં મણિપુર પોલીસ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (સીએપીએફ) અને અર્ધ સૈન્ય દળ અને સૈન્યની સંયુક્ત ટીમ દ્વારા પાડવામાં આવ્યા હતા. જે પણ હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે તેમાં ૧૫૧ એસએલઆર, ૬૫ ઇંસાસ રાઇફલ્સ, ૭૩ અન્ય રાઇફલ્સ, પાંચ કાર્બાઇન, બે એમપી૫ બંદુકો, ૧૨ હળવી મશીન ગન, એકે સીરીઝની છ રાઇફલ, બે અમોઘ રાઇફલ્સ, એક મોર્ટાર, છ પિસ્તોલ, એક એઆર-૧૫ અને બે ફ્લેયર બંદુકનો સમાવેશ થાય છે. સાથે જ ૫૧૯ મેગઝિન્સ, ૩૫૩૪ એસએલઆર રાઉન્ડ્સ (કારતૂસ), ૨૧૮૬ ઇંસાસ રાઉન્ડ્સ, અન્ય રાઇફલ્સના ૨૨૫૨ રાઉન્ડ્સ, એકે સીરિઝની બંદુકના ૨૩૪ રાઉન્ડ્સ, ૪૦૭ એમોઘ રાઉન્ડ્સ, ૧ ગ્રેનેડ્સ, સાત ડિટોનેટર્સનો પણ સમાવેશ થાય છે.

જે વિસ્તારોમાંથી આટલી મોટી સંખ્યામાં હથિયારો મળી આવ્યા છે તેમાં ઇમ્ફાલ પૂર્વ, ઇમ્ફાલ પશ્ચિમ, હિંસાગ્રસ્ત બિષ્ણુપુર, કાકચિંગ અને થૌબલનો સમાવેશ થાય છે. આ પાંચ જિલ્લાઓમાં જ ઘણા સમયથી હિંસા તેમજ ઉગ્રવાદી હુમલાની ઘટનાઓ સામે આવતી હોય છે. હથિયારોની જપ્તીની સાથે ઉગ્રવાદીઓની ધરપકડની કાર્યવાહી પણ તેજ બનાવી દેવાઇ છે, સુરક્ષાદળો અને પોલીસે મળીને ચાર જિલ્લાઓમાંથી પાંચ ખુંખાર ઉગ્રવાદીઓની ધરપકડ કરી છે.

આ ચાર જિલ્લાઓમાં થૌબલ, કાકચિંગ, પશ્ચિમ ઇમ્ફાલ, ટેંગનૌપલનો સમાવેશ થાય છે. જે ઉગ્રવાદીઓની ધરપકડ કરાઇ છે તેમાં યુપીપીકેના સભ્યોનો પણ સમાવેશ થાય છે. ઇમ્ફાલમાં ખંડણી રેકેટ ચલાવનારા ૫૧ વર્ષીય અકોઇજામ રોબિનસનની ધરપકડ કરાઇ છે, તેની પાસેથી એક .૩૨ બોરની પિસ્તોલ જપ્ત કરાઇ છે. પ્રતિબંધિત કાંગલેપાક કોમ્યુનિસ્ટ પાર્ટીના સભ્યની પણ ધરપકડ કરાઇ છે. અન્ય એક અલગ ઓપરેશનમાં ખાલોંગમાંથી ત્રણ રેડિયો સેટ, ૧૩ રેડિયો વાયરલેસ હેન્ડલહેલ્ડ સેટ, સાત વાયરલેસ સેટ એન્ટેના, એક સોલાર ચાર્જર કન્વર્ટર, ત્રણ સોલાર પ્લેટ્સ વગેરેનો પણ સમાવેશ થાય છે.