National

મધ્યપ્રદેશના શિવપુરીમાં એરફોર્સનું મિરાજ-૨૦૦૦ ફાઈટર પ્લેન ક્રેશ; બન્ને પાયલોટ ઘાયલ થયા પરંતુ સુરક્ષિત છે

ભારતીય વાયુસેનાનું મિરાજ ૨૦૦૦ ફાઈટર એરક્રાફ્ટ મધ્ય પ્રદેશના શિવપુરીમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં ફાઈટર પ્લેનના બંને પાઈલટ ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. દુર્ઘટના બાદ ફાઈટર પ્લેન ખરાબ રીતે સળગી જવાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ ફાઈટર એરક્રાફ્ટ ટ્‌વીન સીટર હતું. પ્લેન ક્રેશની જાણકારી મળતા જ સ્થાનિક પ્રશાસને તાત્કાલિક એક ટીમ ઘટનાસ્થળે મોકલી હતી. દરમિયાન પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. પ્લેન ક્રેશ થયા બાદ તે સંપૂર્ણપણે બળી ગયું હતું.

વાયુસેનાનું મિરાજ ૨૦૦૦ ફાઇટર પ્લેન ગુરુવારે બપોરે ૨.૨૦ વાગ્યે ક્રેશ થયું હતું. શિવપુરીના કરૈરા તહસીલના સુનારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિમાન ક્રેશ થયું હતું. સંરક્ષણ અધિકારીઓએ માહિતી આપી છે કે પ્લેન જ્યારે રૂટિન ટ્રેનિંગ ફ્લાઇટ પર હતું ત્યારે ક્રેશ થયું હતું. અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્ક્‌વાયરીનો આદેશ આપવામાં આવી રહ્યો છે. વધુ વિગતોની રાહ જાેવાઈ રહી છે.