મધ્ય પ્રદેશના પોલીસ વડા કૈલાશ મકવાણાએ જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશના માત્ર એક જિલ્લા સુધી મર્યાદિત નક્સલવાદની સમસ્યા નાબૂદ થવાના આરે છે. તેમણે કહ્યું કે રાજ્ય પોલીસે છેલ્લા છ મહિનામાં એન્કાઉન્ટરમાં ૧૦ નક્સલીઓનો ખાત્મો કરીને એક રેકોર્ડ બનાવ્યો છે. ઇન્દોર ઝોનના પોલીસ અધિકારીઓની બેઠક દરમિયાન પત્રકારો સાથે વાત કરતા ટોચના પોલીસ અધિકારી આ વાત કરી રહ્યા હતા.
કેન્દ્ર સરકારે માર્ચ ૨૦૨૬ સુધીમાં દેશભરમાં નક્સલવાદને નાબૂદ કરવાનો સંકલ્પ લીધો છે.
“ઘણા વર્ષોથી નક્સલવાદ ભારતની આંતરિક સુરક્ષા માટે સૌથી મોટો પડકાર રહ્યો છે. જાેકે, મધ્યપ્રદેશમાં, ફક્ત બાલાઘાટ જિલ્લો જ નક્સલવાદની સમસ્યાથી મોટાભાગે પ્રભાવિત છે,” તેમણે કહ્યું.
ડીજીપીએ કહ્યું કે મધ્યપ્રદેશ પોલીસે છેલ્લા છ મહિનામાં એન્કાઉન્ટરમાં ૧૦ નક્સલવાદીઓને ઠાર માર્યા છે, જેને તેમણે એક રેકોર્ડ ગણાવ્યો.
“અમારા અંદાજ મુજબ, રાજ્યમાં હાલમાં ૪૦-૪૫ નક્સલવાદીઓ છે. અમે નક્સલવાદની સમસ્યાને નાબૂદ કરવા તરફ આગળ વધી રહ્યા છીએ. ચોમાસા દરમિયાન પણ અમારું નક્સલવાદ વિરોધી અભિયાન ચાલુ રહેશે,” તેમણે કહ્યું.
તેમણે કહ્યું કે મુખ્યમંત્રી મોહન યાદવના નેતૃત્વ હેઠળ દર મહિને નક્સલ વિરોધી ઝુંબેશની સમીક્ષા કરવામાં આવી રહી છે, અને ખાસ નક્સલ વિરોધી ‘હોક ફોર્સ‘ માટે ૩૨૫ નવી જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે.
ડીજીપીને રાજા રઘુવંશી હત્યા કેસની મુખ્ય આરોપી સોનમ વિશે પૂછવામાં આવ્યું હતું, જે પડોશી ઉત્તર પ્રદેશમાં ધરપકડ પહેલા અહીંના એક ફ્લેટમાં દિવસો સુધી છુપાઈ હતી, અને શું આ ઘટનાએ સ્થાનિક પોલીસના ગુપ્તચર તંત્રની અસરકારકતા પર પ્રશ્નો ઉભા કર્યા છે?
મકવાણાએ કહ્યું, “ઇન્દોર એક મોટું શહેર છે. વ્યવહારિક રીતે, કોઈ વ્યક્તિ અચાનક શહેરમાં ક્યાંથી આવ્યો અને તે રાત ક્યાં રોકાયો તે શોધવું ખૂબ મુશ્કેલ છે. જાે કે, જાે પોલીસને કોઈ વ્યક્તિ વિશે કોઈ ચોક્કસ સંકેત અથવા માહિતી મળે, તો અમે તેના વિશે જાણવાનો પ્રયાસ કરીએ છીએ.”
તેમણે ઉમેર્યું, “ઘણી વાર, તમે તમારા પોતાના ઘરના એક ભાગમાં રહેતા ભાડૂઆતને કોણ આવી રહ્યું છે અને કોણ મળી રહ્યું છે તેના પર નજર રાખી શકતા નથી. તો પછી આટલા મોટા શહેર પર નજર કેવી રીતે રાખવી શક્ય છે?”
ડીજીપીએ સ્વીકાર્યું કે રાજ્ય પોલીસ વિભાગમાં મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી છે.
તેમણે કહ્યું, “સમગ્ર રાજ્યમાં લગભગ ૨૫,૦૦૦ પોલીસ દળને પહેલાથી જ મંજૂરી આપવામાં આવી છે. હાલમાં વિવિધ શ્રેણીઓમાં ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી ચાલી રહી છે, જ્યારે પોલીસ અધિકારીઓ માટે સમયસર પ્રમોશન સુનિશ્ચિત કરવાના પ્રયાસો પણ ચાલુ છે.”

