National

છત્તીસગઢના બિલાસપુર ખાતેથી પીએમ મોદીએ એ અનેક વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને ભૂમિપૂજન કર્યુ

કોંગ્રેસના મનમાં ભ્રષ્ટાચાર, પ્રદેશને લૂંટ્યુ: પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી છત્તીસગઢના બિલાસપુરના ગામ મોહભટ્ટા ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં અનેક વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને ભૂમિપૂજન કર્યુ હતું. આ અંતર્ગત ૩૩૭૦૦ કરોડ રૂપિયાથી વધુના વીજળી, તેલ અને ગેસ, રેલ, માર્ગ, શિક્ષણ અને આવાસ ક્ષેત્રોને લગતા અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરાયો હતો.

આ પ્રસંગે પીએમ મોદીએ જાહેર સભાને સંબોધતા કહ્યુ હતું કે, આજે પહેલી નવરાત્રી છે અને છત્તીસગઢ માતા મહામાયાની ભૂમિ છે. આ માતા કૌશલ્યાનું માતૃઘર પણ છે. આવી સ્થિતિમાં, માતૃશક્તિને સમર્પિત આ નવ દિવસો છત્તીસગઢ માટે ખૂબ જ ખાસ છે અને મારું સૌભાગ્ય છે કે હું નવરાત્રીના પહેલા દિવસે અહીં પહોંચ્યો છું. ભાજપ સરકાર બધા વચનો પૂરા કરી રહી છે. ભાજપને આપેલા આશીર્વાદ બદલ હું તમારો આભાર માનું છું. ભાજપની રાજ્ય સરકાર બધા વચનો પૂરા કરશે. કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમએ કહ્યું કે કોંગ્રેસ સરકારે ઘણો ભ્રષ્ટાચાર કર્યો છે.

વધુમાં પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, છત્તીસગઢ દેશના એવા રાજ્યોની યાદીમાં જાેડાયું છે જ્યાં ૧૦૦% રેલ નેટવર્ક વીજળી પર ચાલે છે, જે એક મોટી સિદ્ધિ છે. હાલમાં, છત્તીસગઢમાં લગભગ ૪૦,૦૦૦ કરોડ રૂપિયાના રેલવે પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. આ વર્ષના બજેટમાં પણ છત્તીસગઢ માટે ૭૦૦૦ કરોડ રૂપિયાની જાેગવાઈ કરવામાં આવી છે. આનાથી છત્તીસગઢના ઘણા વિસ્તારોમાં સારી રેલ કનેક્ટિવિટીની માંગ પૂર્ણ થશે. આનાથી પડોશી રાજ્યો સાથે જાેડાણમાં પણ સુધારો થશે.

વિરોધીઓ પર આકરા શાબ્દિક પ્રહાર કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસના શાસન દરમિયાન અહીં વિકાસના કામો થતા નહોતા અને જે પણ કામ થતું હતું તેમાં કોંગ્રેસના લોકો કૌભાંડો કરતા હતા. તેમણે કટાક્ષમાં કહ્યું કે કોંગ્રેસને ક્યારેય તમારી પરવા નથી. અમે તમારા જીવન, તમારી સુવિધાઓ અને તમારા બાળકોનું ધ્યાન રાખ્યું. અમે છત્તીસગઢના દરેક ગામમાં વિકાસ યોજનાઓ લઈ જઈ રહ્યા છીએ.