ગુજરાતના અમદાવાદથી પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં ગયેલા યાત્રિકોને રાજસ્થાનમાં એક અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે. ગુજરાતી યાત્રિકોને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો છે. બસની બ્રેક ફેલ થતાં રાજસ્થાનના રાજસમંદ નજીક મોટો અકસ્માત સર્જાયો. વિગતો એવી પણ સામે આવી છે કે,અમદાવાદના અંબિકા દાલવડાની દુકારના માલિકના ૧૦ વર્ષીય દીકરાના હાથમાં ગંભીર ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પરંતુ અન્ય ૩૦ શ્રદ્ધાળુઓ ઘાયલ થયાં હતા જેથી આ તમામ લોકોને રાજસંમદ ખસેડવામાં આવ્યાં છે. આ અકસ્માત મોડી રાત્રે સર્જાયો હતો.
આ અકસ્માત અંગે મળતી વિગતો પ્રમાણે બસમાં સવાર તમામ ૪૮ યાત્રિક તેમના પૈતૃક ગામ પાલીના કોસેલાવ જઈ રહ્યા હતા. બસની બ્રેક ફેલ થતા અચાનક બસ પલટી જતાં તમામે બૂમાબૂમ કરી મૂકી હતી. આ મામલે પોલીસે જણાવ્યું કે, આ વિસ્તારમાં પહેલા પણ અકસ્માત થયા છે. આ યાત્રિકો પહેલા પ્રયાગરાજ ગયા હતા અને ત્યારબાદ સાંવરિયા શેઠના દર્શન કરી પોતાના ગામ પરત જઈ રહ્યાં હતાં પરંતુ રસ્તામાં જ અકસ્માત થઈ ગયો હતો. અકસ્માત થતાં બસમાં સવાર લોકોમાં ભારે ડર વ્યાપી ગયો હતો. યાત્રિકોનું કહેવું છે કે, બસમાં બધા જ ઊંઘ્યા હતા, બસ જ્યારે ઢાળમાંથી ઉતરતી હતી, ત્યારે અકસ્માત થયો હતો.
આ અકસ્માતમાં ઘાયલ યાત્રિકોની વાત કરવામાં આવે તો, ૩૦ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યાં છે, જેમાં અમદાવાદના એક વેપારીના દીકરાનો હાથ કપાયો હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અત્યારે ઇજાગ્રસ્તોની સારવાર રાજસંમદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. અહીં તેમની પ્રાથમિક સારવાર ચાલી રહી છે.

