અરુણાચલ પ્રદેશમાં છેલ્લા ૪ દિવસથી વરસી રહેલા ભારે વરસાદના કારણે સંકટના વાદળો ઘેરાઇ રહ્યા છે. જેને લઇને સ્થાનિકોનું જન-જીવન અસ્તવ્યસ્ત બન્યુ છે. ઘર, બજાર અને રસ્તા પર પાણી ભરાયા છે. વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ પેદા જાેવા મળી રહી છે. તો ભૂસ્ખલનની ઘટના બની રહી છે. તો સાથે જ નદીઓ અને નહેરોમાં નવા નીરની આવક થતા નદીઓ અને નહેરો છલકાઇ છે. જેના કારણે ખેતરોમાં પાણી ભરાતા ખેતીના પાકને નુકસાન થઇ રહ્યુ છે.
કુરુંગ કુમે, ઇસ્ટ કામેંગ, સિયાંગ, શિ યોમી, ક્રા દાદી, લોઅર સુબનસિરી, અપર સુબનસિરી, નામસાઇ અને લોહિત સહિત ક્ષેત્રોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. સતત થઇ રહેલા વરસાદના કારણે બાના-સેપ્પા રોડ પર ભૂસ્ખલન થયું હતુ. જેના કારણે એક વાહન ખીણમાં ખાબક્યુ હતુ. આ ઘટનામાં બે બાળકો સહિત ૭ લોકોના મોત થયા હતા. અહીં બચાવકાર્ય હાથ ધરાયુ છે.

લખીમપુર જિલ્લાની રંગનદીમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી છે. ડેમમાંથી વધુ પાણી છોડાતા અહીં નદીઓની સ્થિતિ વિકટ બની છે. સ્થાનિક વિસ્તારો અને ખેતરોમાં પાણી ભરાતા ઘર, પશુધન અને આવશ્યક સંપત્તિઓ નાશ થઇ છે. પૂરથી પ્રભાવિત ભોગનિયા વિસ્તારમાં પાણી ભરાતા મોતની સંખ્યા વધી રહી છે. ૪૦થી વધુ ગામોમાં ૧ હજાર કરતા વધુ પરિવાર પ્રભાવિત થયા છે. તો કેટલાક વિસ્તારોમાં પાણીના કારણે રસ્તાઓ તૂટ્યા છે.

