નોર્ધન કમાન્ડે સુબેદાર સંતોષ કુમાર અને નાયબ-સુબેદાર સુનીલ કુમારના ના સર્વોચ્ચ બલિદાનને સલામી આપી
દક્ષિણ લદ્દાખમાં લેહથી ૧૫૦ કિમી દૂર ન્યોમા વિસ્તારમાં આર્મી કેમ્પમાં એક પાણીની ટાંકીમાં વિસ્ફોટ થવાને કારણે સુબેદાર સંતોષ કુમાર અને નાયબ સુબેદાર સુનીલ કુમાર શહીદ થયા હતા. સેનાએ ફરજની લાઇનમાં પોતાના જીવનનું બલિદાન આપનાર બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ મામલે જેસીઓ અધિકારીએ જણાવ્યું હતું કે, ન્યોમા વિસ્તારમાં એક કેમ્પમાં પાણીની ટાંકી ફાટતાં સુબેદાર સંતોષ કુમાર અને નાયબ-સુબેદાર સુનીલ કુમારનું મૃત્યુ થયું હતું. આ વિસ્તાર લેહથી ૧૫૦ કિલોમીટર દૂર દક્ષિણ લદ્દાખમાં સ્થિત છે. તેમણે જણાવ્યું કે આ ઘટના રવિવારે બની હતી અને પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
લેહ સ્થિત ફાયર એન્ડ ફ્યુરી ફોર્સે બે જેસીઓની તસવીરો શેર કરતા લખ્યું, ‘જનરલ ઓફિસર કમાન્ડિંગ, ફાયર એન્ડ ફ્યુરી ફોર્સ અને તમામ રેન્ક સુબેદાર સંતોષ કુમાર અને નાયબ-સુબેદાર સુનિલ કુમારના સર્વોચ્ચ બલિદાનને સલામ કરે છે અને આ દુઃખદ ઘડીમાં શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે.’
ઉત્તરી સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ સુચિન્દ્ર કુમારે શહીદ સૈનિકોના સર્વોચ્ચ બલિદાનને શ્રદ્ધાંજલિ આપી હતી. મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ઠ’ પર પોસ્ટ શેર કરતી વખતે, નોર્ધન કમાન્ડે લખ્યું, ‘લેફ્ટનન્ટ જનરલ કુમાર અને ધ્રુવ કમાન્ડના તમામ સૈનિકો બહાદુર યોદ્ધાઓ સુબેદાર સંતોષ કુમાર અને નાયબ-સુબેદાર સુનીલ કુમારના સર્વોચ્ચ બલિદાનને સલામ કરે છે, જેમણે લદ્દાખમાં ફરજની લાઇનમાં પોતાનું બલિદાન આપ્યું હતું.’

