National

મહાકુંભ ૨૦૨૫ઃ વસંત પંચમીના રોજ યોજાયેલા ત્રીજા અમૃત સ્નાન દરમિયાન લાખો ભક્તોએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું

મેળા વહીવટીતંત્ર દ્વારા અમૃત સ્નાન સુગમ રીતે યોજાય તેની ખાતરી કરવા માટે વ્યાપક વ્યવસ્થા

વસંત પંચમીના પ્રસંગે ત્રીજું અમૃત સ્નાન પ્રયાગરાજ ખાતે મહાકુંભ ૨૦૨૫ દરમિયાન સફળતાપૂર્વક પૂર્ણ થયું. લાખો ભક્તોએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું. કુંભ મેળો ફક્ત શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિ જ નહીં પરંતુ તેના શુદ્ધ સ્વરૂપમાં એકતા, સમાનતા અને સાંસ્કૃતિક વિવિધતા પણ દર્શાવે છે. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, વસંત પંચમીના રોજ સાંજે ૬ વાગ્યા સુધીમાં કુલ ૨.૩૩ કરોડ ભક્તોએ પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું હતું. ભારત અને વિદેશના ભક્તોએ ‘વસુધૈવ કુટુમ્બકમ’ ની ભાવનાથી એક થઈને પવિત્ર સ્નાન વિધિમાં ભાગ લીધો હતો. આ દિવ્ય કાર્યક્રમમાં વિવિધ દેશોના સાધુ-સંતો, યોગીઓ, વિદ્વાનો અને ભક્તોએ પણ ભાગ લીધો હતો, જેના કારણે તે ખરેખર સાવર્ત્રિક ઉત્સવ બન્યો હતો.

આ શુભ દિવસના મહત્વને કારણે ભક્તો ગઈ રાતથી જ સંગમ વિસ્તારમાં આવવા લાગ્યા હતા. કુંભ મેળા વહીવટીતંત્ર, સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ, સ્વચ્છતા કાર્યકરો, સ્વયંસેવકો, નાવિકો અને તમામ સરકારી વિભાગોના યોગદાનથી આ કાર્યક્રમ સફળ બન્યો હતો, જેથી આ ઐતિહાસિક કાર્યક્રમનું સલામત અને સુગમ સંચાલન સુનિશ્ચિત થયું.

સ્વચ્છ અને સલામત વાતાવરણ જાળવવાના ધ્યેય સાથે વસંત પંચમીના રોજ ત્રીજા અમૃત સ્નાન માટે ખાસ સ્વચ્છતા વ્યવસ્થા કરવામાં આવી હતી. આ હાંસલ કરવા માટે, ૧૫,૦૦૦ સ્વચ્છતા કર્મચારીઓ અને ૨,૫૦૦ થી વધુ ગંગા સેવા દૂતોએ અથાક મહેનત કરી હતી. સંતો અને ભક્તો બંનેના આરામની ખાતરી કરવા માટે અખાડા તરફ જતા માર્ગો માટે પણ ખાસ સફાઈ વ્યવસ્થા કરવામાં આવી હતી. તાત્કાલિક સ્વચ્છતા સુનિશ્ચિત કરવા, મેળાના મેદાનમાંથી કચરો ઝડપથી દૂર કરવા માટે સમગ્ર વિસ્તારમાં ક્વિક રિસ્પોન્સ ટીમો (ઊઇ્‌) તૈનાત કરવામાં આવી હતી. નાવિકો અને સ્ટીમરની મદદથી સંગમમાં પાણી છંટકાવ અને સફાઈ કરવામાં આવી હતી.

કુંભ મેળો ૨૦૨૫ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવામાં સફળ રહ્યો છે. આ કાર્યક્રમની લોકપ્રિયતા અને સાંસ્કૃતિક મહત્વને વૈશ્વિક સ્તરે માન્યતા મળી રહી છે, વિદેશી ભક્તો ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓથી ખૂબ પ્રભાવિત થયા છે, તેઓ પવિત્ર ગંગા સ્નાન અને ભારતની ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રથાઓ બંનેનો અનુભવ કરી રહ્યા છે.