National

કર્ણાટક કોંગ્રેસમાં સંકટ? શિવકુમારના વફાદાર મંત્રીઓ અને ધારાસભ્યો દિલ્હી ગયા

કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારના વફાદાર અનેક મંત્રીઓ અને ધારાસભ્યો નવી દિલ્હી ગયા છે જ્યાં તેઓ રાજ્યમાં ચાલી રહેલી સત્તાની ખેંચતાણ વચ્ચે કોંગ્રેસના ટોચના નેતાઓને મળશે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના કાર્યકાળના ૨.૫ વર્ષ પૂર્ણ થયાના એક દિવસ પછી આ ઘટનાક્રમ સામે આવ્યો છે.

મીડિયા સૂત્રો અનુસાર, મંત્રી એન. ચાલુવરાયસ્વામી અને ધારાસભ્યો ઇકબાલ હુસૈન, એચસી બાલકૃષ્ણ અને એસઆર શ્રીનિવાસ ગુરુવારે દિલ્હી ગયા છે. તેમના ઉપરાંત, શુક્રવારે ૧૨ વધુ ધારાસભ્યો દિલ્હી પહોંચશે.

૨૦૨૩ ની વિધાનસભા ચૂંટણી પછી કર્ણાટકમાં ટોચના પદ માટે સિદ્ધારમૈયા અને શિવકુમાર વચ્ચે જાેરદાર સ્પર્ધા થઈ હતી. બાદમાં, સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા, જ્યારે કોંગ્રેસ નેતૃત્વ દ્વારા “રોટેશનલ મુખ્યમંત્રી ફોર્મ્યુલા”નું વચન આપવામાં આવ્યા બાદ શિવકુમારને તેમના નાયબ બનાવવામાં આવ્યા હતા. જાેકે, કોંગ્રેસે ક્યારેય આ અંગે સત્તાવાર રીતે પુષ્ટિ આપી નથી.

જાેકે, એ નોંધવું જાેઇએ કે સિદ્ધારમૈયાએ ભારપૂર્વક જણાવ્યું છે કે તેઓ પાંચ વર્ષ સુધી મુખ્યમંત્રી રહેશે. “જ્યારે હું પહેલી વાર નાણામંત્રી બન્યો, ત્યારે એક અખબારે લખ્યું – આ સિદ્ધારમૈયા (કુરુબા) સો ઘેટાં ગણી શકતા નથી, તેઓ કર્ણાટકના નાણામંત્રી તરીકે કેવી રીતે કાર્ય કરશે – મેં આને પડકાર તરીકે સ્વીકાર્યું….. મેં ૧૬ બજેટ રજૂ કર્યા છે. આગળ, હું ૧૭મું બજેટ રજૂ કરીશ,” તેમણે બુધવારે એલજી હવનુરની સુવર્ણ જયંતીમાં પત્રકારોને જણાવ્યું.

‘હંમેશા માટે રાજ્ય કોંગ્રેસના વડા રહી શકતા નથી‘

બુધવારે, શિવકુમારે પણ સંકેત આપ્યો હતો કે તેમને પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે પદ છોડવું પડી શકે છે, પરંતુ પક્ષના કાર્યકરોને ખાતરી આપી હતી કે તેઓ પક્ષના “ફ્રન્ટલાઈન નેતૃત્વમાં” રહેશે. “હું આસપાસ છું કે નહીં તે મહત્વનું નથી. પરંતુ હું મારા કાર્યકાળ દરમિયાન ૧૦૦ પાર્ટી કાર્યાલયો સ્થાપવા માંગુ છું,” તેમણે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે એક પાર્ટી કાર્યક્રમમાં કહ્યું.

જ્યારે કેટલાક પક્ષના કાર્યકરોએ રાજ્ય કોંગ્રેસના વડા તરીકેના તેમના અનિશ્ચિત કાર્યકાળ અંગે ચિંતા વ્યક્ત કરી, ત્યારે તેમણે કહ્યું, “હું કાયમી પદ સંભાળી શકતો નથી. તેને પહેલાથી જ ૫.૫ વર્ષ થઈ ગયા છે, અને માર્ચમાં, તે છ વર્ષ થશે.” “અન્યને તક આપવી જાેઈએ. પણ હું નેતૃત્વમાં રહીશ. ચિંતા કરશો નહીં, હું ફ્રન્ટલાઈનમાં રહીશ,” તેમણે ઉમેર્યું.

શિવકુમારને મે ૨૦૨૦ માં કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.