National

મોહાલી જિલ્લા અદાલતે વર્ષ ૨૦૧૮ના દુષ્કર્મ કેસમાં પાદરી બજિન્દર સિંહને દોષિત ઠેરવ્યા

મોહાલી કોર્ટે બજિન્દર સિંહને ૧ એપ્રિલે સજા સંભળાવશે

મોહાલી જિલ્લા અદાલતે એક ઐતિહાસિક ચુકાદામાં વર્ષ ૨૦૧૮ ના દુષ્કર્મ કેસમાં પાદરી બજિન્દર સિંહને દોષિત ઠેરવ્યા છે, તેના પર એક મહિલા પર દુષ્કર્મ કરવાનો આરોપ હતો. આ કેસમાં કોર્ટ ૧ એપ્રિલે આરોપીને સજા સંભળાવશે. દરમિયાન, કોર્ટના ર્નિણય બાદ પોલીસે તેને ન્યાયિક કસ્ટડીમાં લઈ લીધો હતો.

જાે કે થોડા દિવસો પહેલા બજિન્દર સિંહનો એક વીડિયો પણ સામે આવ્યો હતો જેમાં તે એક મહિલાને થપ્પડ મારતો જાેવા મળ્યો હતો. જે બાદ તેની સામે કેસ નોંધવામાં આવ્યો હતો.

કોર્ટે બજિન્દર સિંહ વિરુદ્ધ ચુકાદો આપ્યો અને તેમને દોષિત ઠેરવ્યા,જ્યારે આ કેસમાં અન્ય પાંચ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. કોર્ટનો ર્નિણય આવતાની સાથે જ પીડિતોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ. પીડિતોએ કહ્યું કે આજે તેમને ન્યાય મળ્યો છે. જાેકે, આજ સુધી તેમણે આ લડાઈ લડવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.

આ કેસમાં પીડિતાના પરિવારે પાદરી બજિન્દર માટે કડક સજાની માંગ કરી છે. બીજી તરફ, ચુકાદાની જાહેરાત બાદ પીડિત પરિવારમાં ખુશીનો માહોલ છે, જેઓ કોર્ટના ર્નિણયથી ખુશ છે. મીડિયા સાથે વાત કરતા, ૨૦૧૮ ના આ બળાત્કાર કેસની પીડિતાના પતિએ જણાવ્યું હતું કે આરોપી પાદરી બીમારી અને અન્ય બહાના બનાવીને કોર્ટમાં હાજર થવાનું સતત ટાળતો હતો. તે કોર્ટને ગેરમાર્ગે દોરતો વિદેશ પ્રવાસ કરતો રહ્યો, પરંતુ કોર્ટ હાર માની નહીં.

આ કેસના સંબંધમાં પીડિતાના પરિવારે કહ્યું હતું કે, આ કેસની સુનાવણી દરમિયાન તેમના પર વિવિધ પ્રકારના દબાણ લાવવામાં આવ્યા હતા. અમને ધમકી આપવામાં આવી. તેમણે પોતે ૬ મહિના જેલમાં વિતાવ્યા છે, પરંતુ સરકાર અને જનતાના સહયોગથી આખરે અમને ન્યાય મળ્યો છે. તેણે કહ્યું કે ભગવાને પાદરીને તેના દુષ્કૃત્યોની સજા આપી છે. હવે અમે ફક્ત એટલું જ ઈચ્છીએ છીએ કે તેને સૌથી કડક સજા આપવામાં આવે જેથી તે ભવિષ્યમાં આવું પાપ કરવાનો પ્રયાસ ન કરે.