નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા નેશનલ હાઇવે પર ટોલ ટેક્સમાં રૂ. ૫ થી ૪૦ સુધીનો વધારો ઝીંકાયો છે. આ ભાવ વધારો પહેલી એપ્રિલથી રાજ્યના વિવિધ ટોલ પ્લાઝા પર લાગૂ કરાશે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે, અમદાવાદ-વડોદરા વચ્ચે નેશનલ હાઇવે ૪૮, પાલનપુર નેશનલ હાઇવે પર ટોલ પ્લાઝા પર ટેક્સ વધારાયો છે, જે ૩૧ માર્ચે રાતે ૧૨ વાગ્યે દિવસ પૂરો થતાં જ એટલે કે પહેલી એપ્રિલથી લાગુ થઈ જશે.
અમદાવાદ – વડોદરા વચ્ચેના એક્સપ્રેસ વે ટોલ ટેક્સમાં વધારો થતાં હવે કાર-જીપ ચાલકે રૂપિયા ૧૩૫ના બદલે ૧૪૦ રૂપિયા, રિટર્નમાં રૂપિયા ૨૦૫ના બદલે રૂપિયા ૨૧૫, એલસીવીના રૂપિયા ૨૨૦ના બદલે ૨૩૦, રિટર્નમાં રૂપિયા ૩૩૦ના બદલે રૂપિયા ૩૪૫ અને બસ-ટ્રકના ચાલકે રૂપિયા ૪૬૫ના બદલે રૂપિયા ૪૮૦ અને રિટર્નમાં ૭૨૦ના બદલ ૭૬૦ રૂપિયા પડશે.
વડોદરાથી આણંદના કારના રૂ.૫૦ના બદલે હવે રૂ.૫૫ અને નડિયાદના રૂ.૭૦ના બદલે રૂ.૭૫ ચૂકવવા પડશે. નેશનલ હાઇવે ૪૮ ઉપર રઘવાણજ ટોલ પ્લાઝા ખાતે કાર – જીપના હવે રૂ.૧૧૦ અને એલસીવીના રૂ.૧૭૫ અને બસ – ટ્રકના રૂ.૩૬૦ ચૂકવવા પડશે. જ્યારે વાસદથી વડોદરાના કાર – જીપના રૂ.૧૬૦, એલસીવીના રૂ.૨૪૫ અને બસ ટ્રકના રૂ.૫૦૫ ચૂકવવા પડશે.
પાલનપુર સ્વરૂપગંજ સુધીના હાઇવે પરના ખેમાણા ટોલ પ્લાઝા પર ટેક્સ વધારાયો છે, જે ૩૧ માર્ચે રાતે ૧૨ વાગ્યે દિવસ પૂરો થતાં જ એટલે કે પહેલી એપ્રિલથી લાગુ થઈ જશે.
કયા વાહન પર કેટલો ટેક્સ વધ્યો:-
વાહન જૂનો ભાવ નવો ભાવ
નાના વાહનો (કાર, જીપ) ૭૦ રૂપિયા ૭૫ રૂપિયા
લાઇટ કોમર્શિયલ વ્હીકલ (મિની બસ) ૧૨૦ રૂપિયા ૧૨૫ રૂપિયા
ભારે વાહન (બસ, ટ્રક) ૨૫૫ રૂપિયા ૨૬૦ રૂપિયા
ત્રણ એક્સલ કોમર્શિયલ વ્હીકલ ૨૭૫ રૂપિયા ૨૮૫ રૂપિયા
હેવી મલ્ટી કન્સ્ટ્રકશન મશીનરી ૩૯૫ રૂપિયા ૪૧૦ રૂપિયા
ઓવર સાઇઝ કે ૭ એક્સલથી વધુ ૪૮૫ રૂપિયા ૫૦૦ રૂપિયા

