જમ્મુ-કાશ્મીરમાં આવેલ પહલગામમાં ૨૨ એપ્રિલે પ્રવાસીઓ પર થયેલ આતંકી હુમલાની તપાસ કેન્દ્ર સરકાર દ્વારા એનઆઈને સોંપાઈ છે. આ મામલે એનઆઈએએ જ્યારે ઘટનાસ્થળે પહોંચીને પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે આતંકીઓએ આ નરસંહારનો વીડિયો રેકોર્ડિંગ કર્યો હતો. આતંકીઓ તેમના શરીર પર બોડી કેમેરા લગાવીને આવ્યા હતા.
એનઆઈએના સૂત્રોએ જણાવ્યું કે તપાસ એજન્સીએ આ આતંકી હુમલા અંગે જમ્મુમાં કેસ નોંધ્યો છે અને તપાસ તપાસ શરૂ કરી દીધી હતી. ઘટનાના દિવસે પોલીસ અને આઈજીના નેતૃત્વમાં એનઆઈએની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્યારથી જ ત્યાં તપાસનો દોર ચાલી રહ્યો છે.
મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ ઘટના ની તપાસ મામલે એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ ક્રૂર આતંકવાદી હુમલાની શરૂઆતની તપાસમાં સંકેત મળ્યો છે કે આતંકવાદીઓની સંખ્યા પાંચથી સાતની વચ્ચે હોઈ શકે છે અને આતંકવાદીઓને ઓછામાં ઓછા બે સ્થાનિક લોકોએ પણ મદદ કરી હતી જેમણે પાકિસ્તાનમાં તાલીમ લીધી હતી. ઘટના બાદ સુરક્ષા એજન્સીઓએ ત્રણ આતંકવાદીઓના સ્કેચ પણ જાહેર કર્યા હતા. ત્રણેય પાકિસ્તાનના છે અને તેમના નામ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા છે.

