અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે કેન્દ્રીય કેબિનેટ મંત્રીના ઈશારે બનાવટી પત્રો તૈયાર કરવાના આરોપસરના કેસમાં આંતરરાષ્ટ્રીય શૂટર વર્તિકા સિંહ સામે ફોજદારી કાર્યવાહી રદ કરી દીધી છે.
જસ્ટિસ રાજીવ સિંહની આગેવાની હેઠળની બેન્ચે ૧૯ ડિસેમ્બરે અવલોકન કર્યું હતું કે, “કોર્ટ સમક્ષ ઉપલબ્ધ તમામ સામગ્રીમાં અરજદાર વર્તિકા સિંહ સામે છેતરપિંડીનો કોઈ પુરાવો નથી.”
કોર્ટે કહ્યું હતું કે, તેમને મોકલવામાં આવેલા દસ્તાવેજાે અધિકારીઓ અને અન્ય મહાનુભાવોને પણ તપાસ માટે પૂરા પાડવામાં આવ્યા હતા. જાેકે, નકલી દસ્તાવેજાે કોણે તૈયાર કર્યા હતા તે અંગે કોઈ પૂછપરછ કરવામાં આવી ન હતી.
કોર્ટે નોંધ્યું હતું કે, આ જ કેસમાં, વર્તિકા સિંહ સામે કોઈ કથિત ગુનો ન બન્યા બાદ તપાસ અધિકારીએ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો.
પરિણામે, કોર્ટે વર્તિકા સિંહ સામે ચાલી રહેલી ફોજદારી કાર્યવાહીને બાજુ પર રાખવા યોગ્ય હોવાનું ઠરાવ્યું હતું.
આ ઘટના એપ્રિલ ૨૦૨૦ માં બની હતી, જ્યારે તત્કાલીન કેબિનેટ મંત્રી સ્મૃતિ ઈરાનીના સેક્રેટરી હોવાનો દાવો કરતા રજનીશ સિંહે કથિત રીતે વર્તિકા સિંહને લાલચ આપી હતી અને તેમને રાષ્ટ્રીય મહિલા આયોગ, નવી દિલ્હીના સભ્ય તરીકે નોમિનેટ કરવાનું વચન આપ્યું હતું.
તેમના વકીલોના જણાવ્યા અનુસાર, રજનીશ સિંહે વોટ્સએપ પર આંતરરાષ્ટ્રીય શૂટર સાથે સહી વગરના દસ્તાવેજાે શેર કર્યા હતા, જેમાં તેમની નિમણૂકનો ઉલ્લેખ હતો અને બાદમાં તેમની પાસેથી ?૨૫ લાખની માંગણી કરી હતી.
જ્યારે તેણીએ પૈસા ચૂકવવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે ૨૦૨૦ માં અમેઠી જિલ્લાના મુસાફિરખાના પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો, એમ તેમના વકીલોએ જણાવ્યું હતું.
તપાસ પછી, પોલીસે તેમની સામે ચાર્જશીટ દાખલ કરી હતી, અને ન્યાયિક મેજિસ્ટ્રેટે તેમના ટ્રાયલ માટે પ્રક્રિયા જારી કરી હતી.
કાર્યવાહીને પડકારતા, તેમના વકીલ, મહેન્દ્ર બહાદુર સિંહ અને રોહિત કુમાર ત્રિપાઠીએ દલીલ કરી હતી કે કથિત નિમણૂક માટે ?૨૫ લાખ ચૂકવવાનો ઇનકાર કર્યા બાદ તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા.
તેમણે દલીલ કરી હતી કે વર્તિકા સિંહે દસ્તાવેજાે પોલીસને સોંપ્યા હતા, અને છેતરપિંડીથી તૈયાર કરાયેલા દસ્તાવેજાે પાછળની વ્યક્તિની ઓળખ કરવા માટે તપાસ કર્યા વિના, કોઈપણ પુરાવા વિના તેમની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

