કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિત શાહે નવી દિલ્હીમાં નક્સલવાદ વિરુદ્ધ તાજેતરના ઓપરેશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા અધિકારીઓને મળ્યા અને આ ઓપરેશન્સની ઐતિહાસિક સફળતા બદલ તેમને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું કે મોદી સરકાર ભારતને નક્સલવાદના ત્રાસમાંથી મુક્ત કરવા માટે કટિબદ્ધ છે.
X પરની એક પોસ્ટમાં, ગૃહમંત્રીએ કહ્યું, “હું નક્સલવાદ સામેના તાજેતરના ઓપરેશનમાં મુખ્ય ભૂમિકા ભજવનારા અધિકારીઓને મળ્યો અને આ ઓપરેશન્સની ઐતિહાસિક સફળતા બદલ તેમને અભિનંદન આપ્યા. હું એ સૈનિકોને મળવા પણ ઉત્સુક છું જેમણે પોતાની બહાદુરીથી આ ઓપરેશનને સફળ બનાવ્યા અને ટૂંક સમયમાં છત્તીસગઢની મુલાકાત લઈને તેમને મળીશ. મોદી સરકાર ભારતને નક્સલવાદના ત્રાસમાંથી મુક્ત કરવા માટે કટિબદ્ધ છે.”
ઉલ્લેખનીય છે કે છત્તીસગઢમાં, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીના નિર્દેશનમાં સુરક્ષા દળો દ્વારા માઓવાદી વિરોધી ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત, ૧૮.૦૫.૨૦૨૫થી ૨૧.૦૫.૨૦૨૫ દરમિયાન અબુઝહમદના આંતરિક વિસ્તારોમાં છત્તીસગઢ પોલીસ (જેમાં જિલ્લા નારાયણપુર, દાંતેવાડા, કોંડાગાંવ અને બીજાપુર પોલીસના ડીઆરજી દળોનો સમાવેશ થતો હતો) દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં, ૨૧.૦૫.૨૦૨૫ના રોજ બોટેર ગામના જંગલોમાં થયેલા એન્કાઉન્ટરમાં સીપીઆઈ (માઓવાદી)ના જનરલ સેક્રેટરી અને પોલિટબ્યૂરો સભ્ય બસવરાજુ ઉર્ફે ગગન્ના સહિત ૨૭ નક્સલીઓ માર્યા ગયા હતા અને મોટી માત્રામાં શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો હતો.
છત્તીસગઢના પોલીસ મહાનિર્દેશક શ્રી અરુણ દેવ ગૌતમ, અધિક પોલીસ મહાનિર્દેશક (નક્સલ વિરોધી કામગીરી/જીૈંમ્/જી્હ્લ) શ્રી વિવેકાનંદ, બસ્તર રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી સુંદરરાજ, નારાયણપુરના પોલીસ અધિક્ષક શ્રી પ્રભાત કુમાર, બીજાપુરના પોલીસ અધિક્ષક શ્રી જીતેન્દ્ર યાદવ અને નક્સલમુક્ત જિલ્લા બસ્તરના પોલીસ અધિક્ષક શ્રી શલભ સિંહ આ કામગીરીમાં સામેલ હતા, તેમને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. છત્તીસગઢના મુખ્યમંત્રી શ્રી વિષ્ણુદેવ સાઈ, નાયબ મુખ્યમંત્રી શ્રી વિજય કુમાર શર્મા, કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી ગોવિંદ મોહન, ગુપ્તચર બ્યૂરોના નિર્દેશક શ્રી તપન ડેકા અને અન્ય ઘણા વરિષ્ઠ અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.