National

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, પોલીસ પર હુમલો અમે ક્યારેય સહન કરીશું નહીં. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે પ્રદર્શન કર્યું, ત્યારબાદ અફવાઓ ફેલાઈ અને ધાર્મિક સામગ્રીને આગ ચાંપવામાં આવી. એવુ લાગી રહ્યું છે કે, આ હિંસા પૂર્વ આયોજિત હતી. પરંતુ કોઈએ કાયદો પોતાના હાથમાં લેવાની જરૂર નથી. છાવા ફિલ્મના લીધે લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે. તેના લીધે લોકોમાં ઔરંગઝેબ વિરૂદ્ધ રોષની લાગણી જાેવા મળી છે. તમામને રાજ્યમાં શાંતિ જાળવી રાખવા અપીલ છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું હતું કે, ઔરંગઝેબને ટેકો આપનારાઓને મહારાષ્ટ્રમાં સહન કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે નાગપુરમાં બનેલી ઘટના દુર્ભાગ્યપૂર્ણ હતી. પોલીસ તપાસ કરી રહી છે કે આ કોઈ સુનિયોજિત કાવતરું હતું કે નહીં. હિંસામાં ડીસીપી સ્તરના ચાર અધિકારીઓ ઘાયલ થયા હતા.

મુખ્યમંત્રી ઘટનાની સમીક્ષા કરી રહ્યા છે. પોલીસ કહે છે કે ઘણા લોકો બહારથી આવ્યા હતા. પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા. પોલીસ પર હુમલાની ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હું લોકોને શાંતિ જાળવવા અપીલ કરું છું. તેમણે કહ્યું કે આપણે જાેયુ છાવા ફિલ્મમાં..શું ઔરંગઝેબની તરફેણ કરવી જાેઇએ. ઓરંગઝેબના વખાણ કરવા તે છત્રપતિ સંભાજી મહારાજનું અપમાન કરવા બરાબર છે.

પોલીસ કમિશનર રવિન્દ્ર સિંઘલે મંગળવારે જણાવ્યું હતું કે નાગપુર શહેરમાં થયેલી હિંસાના સંદર્ભમાં ૫૦ થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે અને પાંચ એફઆઈઆર નોંધવામાં આવી છે. સોમવારે સાંજે મધ્ય નાગપુરમાં હિંસા ફાટી નીકળી હતી, જેમાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. એવી અફવા ફેલાઈ હતી કે મુઘલ સમ્રાટ ઔરંગઝેબની કબર (છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં સ્થિત) દૂર કરવા સામે જમણેરી સંગઠન દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પવિત્ર પુસ્તકનું બાળી નાખવામાં આવ્યું હતું.

આ બાબતે નાગપુરના પ્રભારી મંત્રી ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું કે સોશિયલ મીડિયા દ્વારા વાતાવરણ ખરાબ થયું છે અને વિપક્ષને આ મુદ્દાનું રાજકારણ ન કરવા અપીલ કરી હતી. પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટર સાથે સમીક્ષા બેઠક યોજનારા બાવનકુલેએ તમામ સમુદાયોના સભ્યોને સુમેળ જાળવવા અપીલ પણ કરી.

તેમણે કહ્યું કે ગૃહ વિભાગ તરફથી કોઈ ભૂલ થઈ નથી. પોલીસ હિન્દુ અને મુસ્લિમ સમુદાયો વચ્ચે ઢાલ બનીને ઉભી રહી, જેમાં ઘણા પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા. બાવનકુલેએ જણાવ્યું હતું કે હાલમાં પરિસ્થિતિ થોડી તંગ છે પરંતુ પૂરતા પ્રમાણમાં પોલીસ દળ તૈનાત હોવાથી શહેરમાં શાંતિ છે.