જામનગરમાં અનંત ચતુર્દશીએ ગણેશભક્તોએ ‘ગણપતિ બાપા મોરિયા… અગલે વર્ષ તું જલ્દી આના’ના નાદ સાથે બાપ્પાને વિદાય આપી. મહાનગરપાલિકાના ખંભાળિયા બાયપાસ અને સરદાર રિવેરાના બંને વિસર્જન કુંડમાં એક જ દિવસમાં 2,679 ગણેશ મૂર્તિઓનું વિસર્જન થયું.
મહાનગરપાલિકાના અહેવાલ મુજબ, ખંભાળિયા બાયપાસ કુંડમાં 1,369 અને સરદાર રિવેરા કુંડમાં 1,310 મૂર્તિઓનું વિસર્જન થયું. ગણેશ વિસર્જનના બાર દિવસ દરમિયાન બંને કુંડમાં કુલ 7,205 ગણેશ મૂર્તિઓનું વિસર્જન નોંધાયું.
અનંત ચતુર્દશીના દિવસે સવારથી જ બંને વિસર્જન કુંડ ખાતે ભક્તોની ભીડ જોવા મળી. ઢોલ-નગારાના તાલે અને ભક્તિગીતો વચ્ચે મૂર્તિઓને વિસર્જન સ્થળે લાવવામાં આવી. બપોરથી મોડી રાત સુધી વિસર્જન ચાલ્યું. 11 દિવસની આરાધના બાદ વિસર્જન સમયે ભક્તો ભાવુક થયા. મહાનગરપાલિકાની વ્યવસ્થાને કારણે પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂરી થઈ. પોલીસ, ફાયર બ્રિગેડ સહિતની ટીમોએ કામગીરી સંભાળી હતી.

