Gujarat

અમદાવાદના કોચરબ આશ્રમ પાસે આવેલા એક સ્પામાં આગ; ૩ મહિલા અને ૧ પુરુષ સહિત ૪ લોકોનું ફાયર રેસ્ક્યૂ કરી હોસ્પિટલ ખસેડાયા

શહેરના પાલડી વિસ્તારમાં આવેલ કોચરબ આશ્રમ પાસે આવેલા એક સ્પામાં આગની ઘટના બની છે. કોચબર આશ્રમ પાસે કોઠાવાલા ફ્લેટ નજીક આવેલા એક સ્પામાં બપોરના સમયે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

પાલડી વિસ્તારમાં કોચરબ આશ્રમ પાસે કોઠાવાલા ફ્લેટ નજીક એક સ્પામાં આગ લાગી હોવાનો ફાયર વિભાગને કોલ મળ્યો હતો. સ્પામાં લાગેલી આ આગમાં પાંચ લોકો ફસાયા હોવાની પણ ફાયર વિભાગને માહિતી મળી હતી. ફાયરનો કોલ મળતા જ ફાયર વિભાગ દોડતું થઈ ગયું હતું. ફાયર વિભાગની ૭થી ૮ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

ફાયર ઓફિસર અભિષેક તોમરેના અનુસાર, સ્પામાં લાગેલી આગમાં ૫ લોકો ફસાયા હોવાની માહિતી મળી હતી. ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચીને આ પાંચેય લોકોને બચાવ્યા હતા. ફાયર વિભાગે આગમાંથી બચાવેલા લોકોમાં ૩ મહિલા અને ૨ પુરૂષોનો સમાવેશ થાય છે. ફાયર અધિકારીના કહેવા મુજબ હાલ સંપૂર્ણપણે આગને કાબૂમાં લેવાની કામગીરી ચાલી રહી છે.

કોચરબ આશ્રમ નજીક સ્પામાં આગની ઘટનાની જાણ થતા જ ધારાસભ્ય પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

સ્પામાં લાગેલી આ આગમાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી. જાે કે આ આગના કારણે આસપાસની દુકાનોમાં પણ થોડાઘણા અંશે નુકસાન થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.