Gujarat

કડીયાવાડમાં નશાના કારણે યુવકનું મોત થયાનો ભાઈનો આક્ષેપ

ગાંધીનું ગુજરાત કે જ્યાં નશા પરનો પ્રતિબંધ માત્ર કાગળ પર જ હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ભાવનગરના લઠ્ઠાકાંડની ઘટના હજુ થોડા દિવસ પહેલા જ બની છે. ત્યારે જૂનાગઢના કડીયાવાડ વિસ્તારમાં 23 વર્ષીય આદિત્યનું મોત થયું છે. મૃતકના ભાઈનું કહેવું છે કે, નશાના કારણે તેના ભાઈનું મોત થયું છે. જે છેલ્લા પાંચ વર્ષથી ગાંજો, સિરપ સહિતના નશીલા પદાર્થોનું સેવન કરવાની ગંભીર ટેવ ધરાવતો હતો. જો કે આ સમગ્ર મુદ્દે પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

‘દોઢ દિવસથી નશાની હાલતમાં બેભાન હતો’ મૃતકના ભાઈ સાગર પરમારે જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ દિવસથી સતત નશાની હાલતમાં આદિત્ય બેભાન જેવો હતો. જો કે અચાનક તેની તબિયત વધુ લથડી અને શ્વાસ લેવામાં અતિશય તકલીફ પડવા લાગી હતી. ત્યારે તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. જો કે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું અને પરિવારમાં માતા-દીકરો જ બચ્યા છે.

મૃતકના સંબંધી અરવિંદભાઈ બાંભણિયાએ જણાવ્યું હતું કે, નોકરી પર હતો ત્યારે ઘરેથી ફોન આવ્યો હતો કે આદિત્યને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. એ બાદ હોસ્પિટલ પહોંચ્યો તો જાણવા મળ્યું કે નશાના કારણે તેની તબિયત લથડતા સિવિલમાં રખાયો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. બજારમાં ખુલ્લેઆમ વેચાતો ગાંજો અને અન્ય નશાકારક પદાર્થો સજ્જડ બંધ થવા જોઈએ. યુવાનોને કોઈ નશો ન કરવા અપીલ કરી છે અને પોલીસ પાસે સમગ્ર ઘટનાની યોગ્ય તપાસની માંગણી કરી છે.