Gujarat

જૂનાગઢમાં રેલિંગ વગરના પુલ પરથી એક્ટિવા ખાબક્યું

​જૂનાગઢ શહેરમાં જાહેર સલામતીને લઈને તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે, જ્યાં સક્કરબાગ કરીમાબાદ સોસાયટી પાસે આવેલા સોનરખ નદીના પુલ ઉપર રેલિંગ ન હોવાના કારણે વધુ એક મોટો અકસ્માત સર્જાયો છે.

રાત્રિના સમયે પ્રકાશ ભણસાલી નામનો યુવાન વેપારી GIDC તરફથી દોલતપરા તરફ પોતાના એક્ટિવા પર જઈ રહ્યો હતો, ત્યારે પુલ પર રેલિંગ વગરની પાળી પરથી અકસ્માતે તે અંદાજે 25 ફૂટ નીચે નદીમાં પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને સ્થાનિક લોકોની મદદથી 108 એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

​આ મામલે પ્રત્યક્ષદર્શી અને સ્થાનિક પશુપાલક વિજુભાઈ રબારીએ પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે તેઓ પોતાની ગાયો સાથે ત્યાં બેઠા હતા ત્યારે આ વાહન અચાનક રોડ પરથી નીચે પટકાયું હતું, જેના કારણે તેમનો અને અન્ય લોકોનો જીવ માંડ માંડ બચ્યો હતો અને જો થોડું આમતેમ થાત તો મોટું જીવનું જોખમ થઈ જાત.

આ સ્થળે અગાઉ પણ આવા બનાવો બની ચૂક્યા છે અને આ ચોથો બનાવ છે, તેમજ રોડની ઊંચાઈ અંદાજે 30 થી 40 ફૂટ જેટલી ઊંચી હોવાથી અહીંથી કોઈ નીચે પડી જાય તો સીધો મોટો જીવલેણ અકસ્માત થઈ શકે તેમ છે.