મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ’ તેમજ ‘પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડ’ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના જળાશયોમાં ઉપલબ્ધ પાણીનો જથ્થો, ચાલી રહેલી યોજનાઓ, ક્લોરિનેશન અને પાણીવેરા પ્રોત્સાહક યોજનાની કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી.

આ બેઠકમાં મોરબી, માળિયા અને ટંકારા તાલુકાના ૫ ગામોમાં પીવાના પાણીની સુવિધા વધુ સારી બનાવવા માટે કુલ રૂ. ૬૪,૩૬,૫૫૪ ના વિકાસકામોને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ હતી. આ કામોમાં નવા સંપ, નેટવર્ક જોડાણ, પાઇપલાઇન, પમ્પિંગ મશીનરી, ટ્રાયલ બોર અને કૂવા બનાવવાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, કલેક્ટરે જિલ્લામાં શુદ્ધ પીવાના પાણીની ઉપલબ્ધતા, ડેમોમાં પાણીનો જથ્થો, ચાલી રહેલા પ્રોજેક્ટ્સ અને પાણીવેરા પ્રોત્સાહક યોજનાની સમીક્ષા કરી હતી. તેમણે નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે પાણીનું નિયમિત અને યોગ્ય ક્લોરિનેશન સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા.

