Gujarat

રાજકોટમાં પ્રથમવખત ‘મટકીફોડ’ સ્પર્ધા યોજાશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે સૌપ્રથમ વખત ભવ્ય ‘મટકી ફોડ’ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 4 સપ્ટેમ્બરની રાત્રે 8થી 11 સુધી ચૌધરી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે આ સ્પર્ધા યોજાશે. જેમાં પ્રથમ વિજેતાને રૂ. 1,50,000, દ્વિતીયને રૂ. 1,21,000 અને તૃતીયને રૂ. 1,01,000નું રોકડ ઇનામ અને શિલ્ડ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ગોવિંદા ગ્રુપ દ્વારા સ્પેશિયલાઇઝ્ડ પિરામિડ, ડી.જે. સંગીત અને ભવ્ય લાઇટિંગ મુખ્ય આકર્ષણ રહેશે. જેમાં ભાગ લેવા ઇચ્છુક મંડળીઓ www.rmc.gov.in પર ઓનલાઇન તેમજ મનપાની સેન્ટ્રલ ઝોન કચેરીએ ઓફલાઇન વિનામૂલ્યે રજીસ્ટ્રેશન કરાવી શકશે.

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટની ઉત્સવપ્રિય પરંપરા અને સાંસ્કૃતિક ભવ્યતાને વધુ જીવંત બનાવવા મહાપાલિકા દ્વારા જન્માષ્ટમી પર્વ સૌપ્રથમ વખત ભવ્ય “મટકી ફોડ” સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રંગારંગ અને સાહસપૂર્ણ કાર્યક્રમ તા. 4 સપ્ટેમ્બર, 2026, શુક્રવારની રાત્રે 8:00 થી 11:00 કલાક દરમિયાન ચૌધરી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. મહાનગરપાલિકા દ્વારા વિવિધ મંડળીઓને ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લેવા આહ્વાન કરવામાં આવ્યું છે.

સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક મંડળીઓ માટે વિનામૂલ્યે ઓનલાઇન અને ઓફલાઇન રજીસ્ટ્રેશનની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. ઓનલાઇન ફોર્મ RMCની વેબસાઇટ www.rmc.gov.in પર ભરી શકાશે, જ્યારે ઓફલાઇન ફોર્મ મનપા કચેરીમાં સાંસ્કૃતિક વિભાગની ઓફિસમાંથી મેળવી શકાશે. ‘મટકી ફોડ’ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર મંડળીઓ માટે આકર્ષક રોકડ ઇનામોની વણજાર રાખવામાં આવી છે.

જેમાં પ્રથમ ઇનામ રૂ. 1,50,000, દ્વિતીય ઇનામ રૂ. 1,21,000 અને તૃતીય ઇનામ રૂ. 1,01,000 આપવામાં આવશે. ઉપરાંત ભાગ લેનાર અને વિજેતા મંડળીઓને સન્માનિત કરવા માટે પ્રોત્સાહક શિલ્ડ પણ એનાયત કરવામાં આવશે.