Gujarat

રાજ્યમાં 1.14 કરોડથી વધુ લોકો અન્ન સુરક્ષા યોજનાના સહારે

ગુજરાતમાં રોજગારી, વિકાસ અને આર્થિક પ્રગતિના દાવાઓ વચ્ચે અન્ન સુરક્ષા યોજનાના આંકડા સરકાર સામે જ સવાલ ઊભો કરે છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં 25 લાખથી વધુ જરૂરિયાતમંદ પરિવારોના 1.14 કરોડથી વધુ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ આપવામાં આવ્યું હોવાનું અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે જણાવ્યું છે.

ઘઉં, ચોખા અને બરછટ અનાજનો જથ્થો અપાય છે સરકારના આંકડા પ્રમાણે જરૂરિયાતમંદ પરિવારો સુધી ઘઉં, ચોખા અને બરછટ અનાજ પહોંચાડવામાં આવ્યું છે. પરંતુ આ આંકડાઓનો બીજો અર્થ એ પણ થાય છે કે રાજ્યની મોટી વસ્તીનો હિસ્સો હજુ પણ પરિવારનું અન્ન પૂરું કરવા માટે સરકારી સહાય પર આધાર રાખે છે. ત્યારે સ્વાભાવિક સવાલ થાય છે કે રોજગારી અને વિકાસની વાતો વચ્ચે આટલી મોટી સંખ્યામાં પરિવારોને મફત અનાજની જરૂરિયાત કેમ ઊભી થઈ રહી છે?

પાંચ વર્ષમાં લાભાર્થી પરિવારો સતત વધ્યા સરકારના આંકડા મુજબ વર્ષ 2022-23માં અન્ન સુરક્ષા યોજનાનો લાભ 3.06 લાખ પરિવારોના 14.48 લાખ લોકોને મળ્યો હતો. વર્ષ 2023-24માં આ સંખ્યા વધીને 5.63 લાખ પરિવારો અને 25.43 લાખ લાભાર્થીઓ થઈ. વર્ષ 2024-25માં 7.49 લાખ પરિવારોના 34.53 લાખ લોકો યોજનાના લાભાર્થી બન્યા, જ્યારે વર્ષ 2025-26માં આ સંખ્યા વધીને 9.20 લાખ પરિવારો અને 39.65 લાખ લોકો થઈ છે.

એટલે, છેલ્લા કેટલાક વર્ષોમાં યોજનાના લાભાર્થી પરિવારોમાં નોંધપાત્ર વધારો થયો છે. આ વધારો ખરેખર જરૂરિયાતમંદોને વધુ સારી રીતે આવરી લેવાનો સંકેત છે કે પછી રાજ્યમાં આર્થિક રીતે નબળા પરિવારોની સંખ્યા વધી રહી હોવાનો સંકેત છે, તે ચર્ચાનો વિષય બન્યો છે.