જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં નવરાત્રિના તહેવાર દરમિયાન જ એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે. લાલપુરના દવાખાના રોડ પર એકલા રહેતા અને PGVCLમાંથી નિવૃત્ત થયેલા કર્મચારી મનસુખ રામજીભાઈ વાછાણી (ઉં.વ. 66)ની તેમના જ ઘરમાં ઘાતકી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
મનસુખભાઈના પત્ની અને પુત્ર અમદાવાદમાં રહેતા હોવાથી તેઓ લાલપુરમાં એકલા જ રહેતા હતા. ગઈકાલે રાત્રે મનસુખભાઈના ઘરની લાઈટો બંધ હોવાથી અને ઘરના દરવાજે બહારથી તાળું મારેલું ન હોવાથી આસપાસના પાડોશીઓને શંકા ગઈ હતી. આથી તેમણે લાલપુરમાં જ રહેતા તેમના નાના ભાઈ મહેન્દ્રભાઈને જાણ કરી હતી. મહેન્દ્રભાઈએ ઘરે પહોંચી દરવાજો ખોલીને તપાસ કરતા મનસુખભાઈ લોહીલુહાણ અને મૃત હાલતમાં મળી આવ્યા હતા.
મૃતદેહના માથાના ભાગે ઈજાના 5 જેટલા નિશાન જોવા મળ્યા હતા. ઉપરાંત ઘરમાં ચીજવસ્તુઓ વેરવિખેર હાલતમાં મળી આવી હોવાથી રોકડ રકમ અથવા કિંમતી માલમત્તાની લૂંટ ચલાવવાના ઈરાદે ઘરમાં ઘૂસી આ હત્યા નીપજાવવામાં આવી હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરાઈ રહી છે.

