સુરતના કતારગામ વિસ્તારમાં સાસરિયાંના ત્રાસથી કંટાળીને 3 મહિનાની ગર્ભવતી પરિણીતાએ પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેવાની ચકચારી ઘટના સામે આવી હતી. મૃતક પાસેથી મરાઠી ભાષામાં લખાયેલી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેમાં સાસુ દ્વારા કામ બાબતે પતિને કહીને શારીરિક-માનસિક ત્રાસ અપાતો હોવાનો ઉલ્લેખ કરાયો છે. આ મામલે મૃતકની માતાની ફરિયાદના આધારે કતારગામ પોલીસે પતિ અને સાસુ વિરુદ્ધ આપઘાત દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
સવા બે વર્ષ પહેલાં જ લગ્ન થયાં હતાં મૂળ મહારાષ્ટ્રના જલગાંવના પાચોરા તાલુકાના આશનખેડાના વતની અને હાલ સુરતના પાંડેસરા કર્મયોગી-2 સોસાયટીમાં રહેતાં 45 વર્ષીય અંજલીબેન નીકમની ફરિયાદ મુજબ, તેમની નાની દીકરી જ્યોત્સનાના લગ્ન 25 મે 2024ના રોજ સામાજિક રીતિ-રિવાજ મુજબ મૂળ વતનમાં પ્રદીપ ભારતભાઈ સોનવણે સાથે થયા હતા. લગ્ન બાદ જ્યોત્સના કતારગામ સ્થિત મગનનગર-2, મહાદેવ કોમ્પ્લેક્ષના ફ્લેટ નં.401માં સાસરીમાં રહેતી હતી.
ગર્ભવતી હોવા છતાં આરામ ન કરવા દેવાયો માતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, દીકરીના સાસુ ઉષાબેન સતત દીકરીના કામ બાબતે જમાઈ પ્રદીપના કાન ભંભેરણી કરતી હતી. જેથી પતિ પ્રદીપ નાની-નાની વાતોમાં શંકા રાખી ઝઘડો કરી મારઝૂડ કરતો હતો. જ્યોત્સના ત્રણ માસથી ગર્ભવતી હતી. 6 સપ્ટેમ્બરના રોજ સવારે જ્યોત્સનાએ તેની માતાને ફોન કરીને રડતાં રડતાં જણાવ્યું હતું કે, ‘હું આરામ કરતી હતી જેથી સાસુએ પતિને કહ્યું કે તારી પત્ની સૂઈ રહે છે અને કામમાં મદદ કરતી નથી. આ સાંભળી પતિ પ્રદીપે આવીને જમવાનું કેમ નથી બનાવતી કહી માર માર્યો હતો.’

