પાટણમાં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા પૂર્વે મામેરાની ધાર્મિક વિધિ ભક્તિભાવ સાથે સંપન્ન થઈ છે. આ વર્ષે પાટણના જાણીતા ગાયનેક તબીબ ડો. જયેશ ભોગીલાલ મોદી પરિવારે મામેરાનો લ્હાવો લીધો છે. આ મામેરામાં સોના-ચાંદી, હીરા-મોતીના અલંકારો સાથે સૌ પ્રથમવાર ડોલરનો હાર અર્પણ કરાયો છે.
મામેરામાં 500 ગ્રામ ચાંદી અને રૂ. 1,51,000 રોકડા પણ અર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત, મખમલમાંથી તૈયાર કરાયેલા રજવાડી વાઘા, વિદેશી ચોકલેટો, સુકોમેવો અને વિવિધ પ્રકારના અન્ય અલંકારો પણ ભગવાનને ચઢાવવામાં આવશે.

યજમાન ડો. જયેશ મોદીના હિમજા સોસાયટી સ્થિત નિવાસસ્થાને ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે મામેરાની તમામ વિધિઓ પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ડો. જયેશભાઈ, તેમના ધર્મપત્ની અલકાબેન અને પરિવારજનોએ ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની પ્રતિમા સમક્ષ મામેરું અર્પણ કર્યું હતું. મંગળવારે ભગવાનની પ્રતિમાઓને વાજતે-ગાજતે યજમાનના નિવાસસ્થાને લાવવામાં આવી હતી, જ્યાં પૂજા-અર્ચના અને આરતી કરવામાં આવી હતી.
તા. 15 જુલાઈના રોજ બપોરે 2:00 કલાકે ભગવાનના મામેરાના દર્શન જગન્નાથ ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવશે. ત્યારબાદ સાંજે 7:00 કલાકે ભક્તિમય માહોલ વચ્ચે શણગારેલી બગીમાં ભક્તિ સંગીતના સુરો સાથે મામેરું હિમજા સોસાયટી ખાતેથી પ્રસ્થાન કરી જગન્નાથ મંદિર ખાતે લઈ જવામાં આવશે.

તા. 16જુલાઈના રોજ પાટણ શહેરમાંથી ભગવાન જગન્નાથજીની 144 મી રથયાત્રા નીકળનાર છે, જેને લઈને સમગ્ર નગરજનોમાં ભક્તિરુપી આનંદ જોવા મળી રહ્યો છે. જગન્નાથ મંદિર ટ્રસ્ટ તેમજ જગન્નાથ રથયાત્રા સમિતિ દ્વારા આ આયોજનને યાદગાર બનાવવા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. યજમાન પરિવારે પાટણના તમામ ધર્મપ્રેમી નગરજનોને આ પાવન પ્રસંગે પધારવા માટે નિમંત્રણ પાઠવ્યું છે.

