જામનગર LCB પોલીસે જામજોધપુર તાલુકાના ગોપ ગામની સીમમાં દરોડો પાડી રૂ. 2.72 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં 200 બોટલ વિદેશી દારૂ અને એક મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 2,72,200 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે એક આરોપીની ધરપકડ પણ કરી છે.
LCB પોલીસ સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે અરજણભાઈ કોડીયાતર, ઘનશ્યામભાઇ ડેરવાળીયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કિશોરભાઇ પરમારને ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે, ગોપ ગામની સીમમાં ‘મીઠાવાળો હોકરો’ તરીકે ઓળખાતી વાડીની ઓરડીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી પોલીસ તપાસ દરમિયાન વાડીની ઓરડીમાંથી રૂ. 2,67,200/- ની કિંમતની 200 નંગ વિદેશી દારૂની બોટલો અને રૂ. 5,000/- ની કિંમતનો એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. પોલીસે ગોપ ગામના રહેવાસી કલ્પેશભાઇ ઉર્ફે કલો રામશીભાઈ કારેણા (સગર) (ઉં.વ. 40) ની ધરપકડ કરી છે.

પકડાયેલા આરોપી કલ્પેશની પૂછપરછમાં સામે આવ્યું કે, આ દારૂનો જથ્થો તેને જામજોધપુરના મેલાન ગામના મનાભાઈ કાનાભાઈ હુંણ (રબારી) એ આપ્યો હતો. આથી, પોલીસે મનાભાઈ રબારીને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

