Gujarat

રાધનપુરના કામલપુરમાં ધૂળેટીપર્વ ની અનોખી વર્ષોજૂની પરંપરા…

પાટણ :-

રાધનપુરના કામલપુરમાં ધૂળેટીપર્વ ની અનોખી વર્ષોજૂની પરંપરા…

ધુળેટીના દિવસે રંગોથી દૂર રહી ભક્તિનો રંગ ચઢાવતું રાધનપુરનું કામલપુર…

નકળંગ મહારાજની ભવ્ય પાલખીયાત્રા સાથે અનોખી વર્ષોજૂની પરંપરાનું શ્રદ્ધાભેર પાલન…

પાટણ જિલ્લામાં રાધનપુર તાલુકાનું કામલપુર ગામ ધુળેટી પર્વની અનોખી અને વર્ષોજૂની પરંપરાને કારણે વિશિષ્ટ ઓળખ ધરાવે છે. સામાન્ય રીતે ધુળેટી અબીલ-ગુલાલ અને રંગોની રમઝટ માટે ઓળખાય છે, પરંતુ કામલપુર ગામમાં ધુળેટીના દિવસે રંગોથી સંપૂર્ણ રીતે દૂર રહી ભક્તિ અને પરંપરાને પ્રાથમિકતા આપવામાં આવે છે. અહીં ધુળેટીનો દિવસ ભગવાન નકળંગ મહારાજને સમર્પિત હોય છે અને આ દિવસે ભવ્ય પાલખીયાત્રાનું આયોજન કરવામાં આવે છે.
ગામ સ્થિત પ્રાચીન નકળંગ મહારાજના મંદિરે દિવાળી તથા ફાગણ માસની હોળીના દિવસે પાલખી કાઢવાની પરંપરા વર્ષોથી અવિરત રીતે ચાલી આવી છે. આ પરંપરા ગામજનો માટે માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં, પરંતુ આસ્થા અને એકતાનું પ્રતિક બની ગઈ છે. દર વર્ષે બપોરે અંદાજે 3 વાગ્યે મહારાજની પાલખી ધામધૂમથી મંદિરથી પ્રસ્થાન કરે છે. ઢોલ-નગારાના નાદ અને ભજન-કીર્તનના સ્વરો વચ્ચે સમગ્ર ગામ ભક્તિમય વાતાવરણમાં રંગાઈ જાય છે.
પરંપરા મુજબ મહિલાઓ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ સામૈયા લઈને પાલખીના આગળ આગળ ચાલે છે. યુવકો હાથમાં શ્રીફળ લઈને પોતાની માનતાઓ રગડે છે અને મહારાજના જયઘોષ સાથે યાત્રામાં જોડાય છે. નાના બાળકો થી લઈ વડીલો સુધી ગામના દરેક વર્ગના લોકો ઉત્સાહભેર પાલખીયાત્રામાં સહભાગી બને છે. યાત્રા દરમિયાન શિસ્ત અને શ્રદ્ધાનું અનોખું દૃશ્ય જોવા મળે છે.પાલખીયાત્રા ગામની મુખ્ય શેરીઓ અને ચોરાહાઓમાં ભ્રમણ કરી દરેક વિસ્તારમાં આશીર્વાદ વરસાવે છે અને અંતે ફરી મંદિર પરિસરમાં પરત ફરે છે. વિશેષ નોંધનીય બાબત એ છે કે યાત્રા દરમિયાન અબીલ-ગુલાલ, કંકુ અથવા કોઈપણ પ્રકારના રંગોત્સવનું આયોજન કરવામાં આવતું નથી. ધુળેટીના દિવસે રંગોથી દૂર રહી ભક્તિભાવ, સંયમ અને પરંપરાગત રીતિ-રિવાજો સાથે ઉજવણી કરવામાં આવે છે, જે કામલપુરને આસપાસના ગામોથી અલગ ઓળખ આપે છે.
આ પ્રસંગે બહારગામથી પણ ભક્તજનો અને મહેમાનો મોટી સંખ્યામાં કામલપુર ખાતે પહોંચે છે. ગામજનો દ્વારા સૌનું આત્મિય સ્વાગત કરવામાં આવે છે. પાલખીયાત્રા પૂર્ણ થયા બાદ મંદિર પરિસરમાં મહાપ્રસાદ અને ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવે છે, જેમાં ગામજનો સાથે આગેવાનો અને મહાનુભાવો હાજરી આપી ધર્મલાભ લે છે.વર્ષોથી અખંડિત રીતે નિભાવાતી આ પરંપરા કામલપુર ગામની સાંસ્કૃતિક સમૃદ્ધિ, ધાર્મિક આસ્થા અને સામૂહિક એકતાનું જીવંત પ્રતિબિંબ છે. આધુનિક સમયમાં જ્યાં તહેવારોમાં બદલાવ જોવા મળે છે, ત્યાં કામલપુર ગામે પોતાની આગવી પરંપરાને જાળવી રાખી ધુળેટીને ભક્તિ અને સંસ્કારના પર્વ રૂપે ઉજવી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

રીપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર

IMG-20260304-WA0023-1.jpg IMG-20260304-WA0022-2.jpg IMG-20260304-WA0020-3.jpg IMG-20260304-WA0021-0.jpg