Gujarat

દીવમાં છકડો રિક્ષા પલ્ટી મારી જતા 1 યુવાનનું મોત નિપજ્યું 1 ને ગંભીર ઈજા

કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં ગાંધીપરા વિસ્તાર પાસે છકડો રિક્ષા પલ્ટી મારતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજા થતા વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ આજે ઊના તાલુકાના ઝાંખરવાડા ગામના રહેવાસી અને દીવના વણાંકબારા વિસ્તારમાં માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા સંજયભાઈ વાસાભાઈ તેમજ લાખાભાઈ બન્ને છકડો રીક્ષામાં જઈ રહ્યાં હતા.

તે દરમિયાન ગાંધીપરા વિસ્તાર પાસે અચાનક છકડો રિક્ષા પલ્ટી મારી જતા સંજયભાઈ વાસાભાઈનું મોત નીપજ્યું હતું. જ્યારે લાખાભાઈને ગંભીર ઇજા પહોચતા વધુ સારવાર માટે ઊના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટના બનતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આ બનાવને લઈ દીવ પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.