Gujarat

1000થી વધુ બાળકોની નિઃશુલ્ક તપાસ

જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલના ‘પીડિયાટ્રિક એન્ડ પ્રિવેન્ટિવ ડેન્ટિસ્ટ્રી’ વિભાગ દ્વારા વર્લ્ડ ઓરલ હેલ્થ મંથની ઉજવણી અંતર્ગત બાળકોમાં દાંત અને મોઢાના સ્વાસ્થ્ય અંગે વિશેષ જાગૃતિ અભિયાન યોજાયું હતું. જે ઉજવણીના ભાગરૂપે નિષ્ણાત દંત ચિકિત્સકોની ટીમ દ્વારા શહેરની વિવિધ શાળાઓમાં 1000થી વધુ બાળકોની નિઃશુલ્ક દાંત અને પેઢાંની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બાળકોને દાંતનો સડો, પેઢાંના રોગો તેમજ મોઢાની સ્વચ્છતા કેવી રીતે જાળવવી તે અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પડાયું હતું.

બાળકોમાં ઓરલ હેલ્થ પ્રત્યે જાગૃતિ વધે તે હેતુથી વિવિધ શૈક્ષણિક, મનોરંજક અને રમતગમત આધારિત પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સમગ્ર જાગૃતિ અભિયાનની કામગીરીને રાષ્ટ્રીય સ્તરે પણ સરાહના સાંપડી છે.

આ જાગૃતિ કાર્યક્રમ માટે વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડો. વિપિન આહુજા તેમજ ડો. કેયુર, ડો. કૃષ્ણા, ડો. અંકિતા, ડો. દીપિકા, ડો. વર્ષા, ડો. ખુશ્બુ, ડો. મંદાકિની સહિત વિભાગના વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. આ તમામ પ્રવૃત્તિઓ કોલેજના ડીન ડો. નયના પટેલના કુશળ માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.