ભેસાણ તાલુકો 42 ગામડાઓને જોડતો તાલુકો છે. જેમાં 90 ટકા ખેડૂતો ખેતી ઉપર નિર્ભર છે. ચોમાસા પીયતમાં મગફળીનું બહોળી સંખ્યામાં વાવેતર કર્યું હતું. ચોમાસામાં સારા વરસાદ થવાથી ચાલુ વર્ષે ખેડૂતોને મગફળીનો ઉતારો પણ સારો બેસ્યો હતો. આશરે એક વિઘે ખાંડીની આસપાસ ઉતારો આવ્યો હતો. જેમાં મગફળીના ટેકાના ભાવ સારા હોવાથી મોટાભાગના ખેડૂતોએ સરકારના મગફળી ટેકાના ભાવ વેચવા માટે 11 હજાર ખેડૂતોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.
જેની અંદર ભેસાણ સેન્ટરમાં મગફળી ખરીદીના 6 કેન્દ્રો ફાળવવામાં આવ્યા હતા. જેમાં છેલ્લા 50 થી 60 દિવસમાં ટેકાના ભાવની મગફળીની ખરીદી થઈ રહી હતી. જે ખરીદી પ્રક્રિયા આજે 11 હજાર ખેડૂતોની મગફળી સંપૂર્ણપણે જોખાઈ ગઈ છે. આ ખરીદી 90 દિવસ જેટલો સમય લેતી હોય એટલે કે ત્રણ મહિના પરંતુ સમય કરતા મગફળી વહેલી જોખાઈ જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ ઉપરાંત 70 ટકાથી વધારે ખેડૂતોને પેમેન્ટ પણ ખાતામાં જમા થવા લાગ્યા છે. હજુ પણ આગામી સમયમાં બાકી રહેલા ખેડૂતોને ટૂંક સમયમાં સરકાર તરફથી પેમેન્ટની ચુકવણી કરવામાં આવશે. આમ ખેડૂતોની મગફળીની ટેકાના ભાવે ખરીદી પૂર્ણ થઈ હતી.

