મોરબી નજીક લાભનગર પાસે 112 જનરક્ષક પોલીસ વાન દ્વારા રીક્ષા અને કારને હડફેટે લીધા હતા. જેથી ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં વાન ચાલક કોન્સ્ટેબલ સહિત કુલ છ લોકોને ઈજા પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ સોમવારે રાત્રે આશરે સાડા આઠ વાગ્યાના સુમારે મોરબીના ધરમપુર રોડ પર લાભનગર પાસે બન્યો હતો. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની 112 જનરક્ષક બોલેરો ગાડી લઈને કોન્સ્ટેબલ પેટ્રોલિંગમાં જઈ રહ્યો હતો, ત્યારે તેણે બેફિકરાઈથી વાહન ચલાવી સૌથી પહેલા સામેથી આવતી રીક્ષાને ટક્કર મારી હતી. જે બાદ ઈકો સ્પોર્ટ કારને હડફેટે લીધી હતી.

આ અકસ્માત અંગે રિક્ષા ચાલક જગદીશ બાબુભાઈ અગેચાણીયાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, પોલીસ વાનના ચાલકે બેફિકરાઈથી વાહન ચલાવીને પહેલા રીક્ષાને અને ત્યારબાદ પાછળથી આવતી ઇકો સ્પોર્ટ કારને ટક્કર મારી હતી. આ ઘટનામાં ફરિયાદી જગદીશ, તેમની રિક્ષામાં બેઠેલા પારૂલબેન અને સોનુભાઈ યાદવને શરીર પર ઈજાઓ થઈ હતી.

વધુમાં, ફરિયાદીની દીકરીઓ જયશ્રી અને મિત્તલને જમણા પગે ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ દીકરીઓ અને અન્ય બાળકો પાણીના કારખાનેથી કામ પતાવી પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, 112 જનરક્ષક પોલીસ વાનનો ચાલક નશાની હાલતમાં હતો. પોલીસે આ ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

