અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શાસનાધિકારી ડૉ.એલ.ડી. દેસાઈ દ્વારા 1200 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જે બાદ સ્કૂલ બોર્ડના સભ્યોની દરખાસ્ત અને સહયોગથી તેમાં 5 કરોડના વધારા સાથે કુલ 1205 કરોડનું વર્ષ 2026-27 માટેનું પ્રાથમિક શિક્ષણ સમિતિના અંદાજપત્રને મંજૂરી આપવામાં આવી છે.
ગત વર્ષ કરતા 50 કરોડના વધારા સાથે AMC સ્કૂલબોર્ડનું સુધારા સાથેનું 1205 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. AMC સ્કૂલબોર્ડની શાળાના વિદ્યાર્થીઓને AIનું શિક્ષણ આપવા માટે એક કરોડ અને આગામી ઓલિમ્પિક ગેમ્સ માટે તૈયાર કરવા માટે 10 કરોડ ફાળવ્યા છે.
50 કરોડના વધારા સાથે 1205 કરોડની બજેટ મંજૂર કરવામાં આવ્યું વર્ષ 2026-27નું શતાબ્દી બજેટ વિદ્યાર્થી, વાલી, શિક્ષક અને શાળાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. આ વર્ષે પ્રાયમરી એજ્યુકેશન ફંડના 1250 કરોડના અંદાજપત્રમાં 86.67 ટકા એટલે કે 1044.32 કરોડ જેટલી રકમ પગાર અને પેન્શન પાછળ ખર્ચ કરવામાં આવશે.
વિદ્યાર્થીઓના વિકાસ અને શિક્ષકોને લગતી પ્રવૃત્તિઓ પાછળ 10.90 ટકા એટલે કે 131.29 કરોડ અને શાળા અને માળખાકીય સુવિધાઓ પાછળ 2.44 ટકા એટલે કે 29.39 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. ગત વર્ષે 1155 કરોડના બજેટ સામે આ વર્ષે 50 કરોડના વધારા સાથે 1205 કરોડની બજેટ મંજૂર કરવામાં આવ્યું છે.

